પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અનુભવની કામધેનુનું દોહન


મેરૂ રે ડગે પણ જેનાં મન નથી ડગતાં,
મરને ભાંગી રે પડે ભરમાંડ;
વિપત પડે વણસે નહિ,
સોઈ હરિજનનાં પરમાણુ—મેરૂ રે.

હરખ અને શોકની જેને આવે નવ હેડકી,
જેણે શિશ તો કર્યા કુરબાન;
સતગુરૂ–વચનમાં કાયમ વરતે,
જેણે મેલ્યાં અંતરના માન મેરૂ રે.

સંકલ્પ ને વિકલ્પ જેને એકે નહિ ઉરમાં,
તોડી નાખ્યા માયા કેરા ફંદ;
નિત્ય નિત્ય રમે સતસંગમાં પાનબાઈ,
જેને આઠે પો’ર આનંદ—મેરુ રે.

ભગતી કરો તો તમે એવી રીતે કરજો પાનબાઈ,
રાખો વચનનો વિશવાસ;
ગંગા સતી એમ બોલિયાં
તમે થાજો સતગરૂજીનાં દાસ—મેરુ રે.

ભજનોની લોકવાણી સાયર સમી સુવિશાળ અને અગાધ છે: તેમાં ગંગા સતી અને પાનબાઈનાં ભજનો પોયણાંનાં ઝૂમખાં સરીખાં સોહે છે.