પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
છેલ્લું પ્રયાણ
 


તારી સંગાથે મને રહેવા દે,
તારા પ્રેમને કાજે મારાં નયણાં વહે છે.
પાસે તું ન હો ત્યારે
ઘર એ ઘર નથી રહેતું,
વન એ વન નથી રહેતું,
ટેકરીઓ પહાડો બની જાય છે.
મને સાથે લઈ જા.
પ્રેમે નયણાં વહે છે.

અજાજૂડ વનરાઈ વચ્ચે
ઘટા–ઘેઘૂર વડલો સોહે,
કૂવાને કાંઠે
નાજુક વાંસ સોહે,
માવતર વ્હોણી આ છોકરી તો
અપર--માના ઘરમાંય સોહે.

ઓ પનિહારી ! આંબાની અંધારી ઘટામાં
તારા ઝાંઝર રૂમઝૂમી ઊઠ્યાં.
ઓ પનિહારી ! આથમતા સૂરજમાં
તારું ત્રાંબા–બેડું ચળકી પડ્યું.
તારા હોઠ ને મારું હૈયું
બન્ને તરસે સુકાય છે.
જા પનિહારી ! લચકાતી લંકે
નિર્જન કૂવે પાણી ભરવા જા.
અંધારાથી બીતી ના;
હું તારી સાથે ચાલું છું:
હૈયુ પિયાસી છે, પનિહારી !