પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
છેલ્લું પ્રયાણ
 


(તેં તારો સુવર્ણ—કટોરો ફોડી નાખ્યો છે. તારી મસ્ત જુવાનીને તે ક્યાં તોડી નાખી ?)

એથી જુદેરી સોરઠી દુહાની સંકેત–વાણી—

જોબનિયા ! તેને જાળવ્યું, ચાર્યું માજમ રાત;
એવો અવગુણ શો થયો, (કે) લકડી દઈ ગયું હાથ ?

‘ચાર્યું સારી રાત’ – એ ભાવ દૂઝણાં પશુને આખી રાત પહર ચારવાની રસમમાંથી ઉપાડી તેના પ્રતીક વડે, જોબનને જે પ્રેમ–લાડ લડાવ્યા તેને અહીં વ્યંજિત કરાયા છે.

આદિવાસીની લોકકવિતાએ તો સ્વપ્નાં પણ ગાવા છોડ્યાં નથી —

સોને સિધુલિયા, રુપે કે ઢક્‌ના,
છિન આબે છિન જાબે, દે દેવે સપના.

(સોનાની કંકાવટી, ને રૂપાનું ઢાંકણું, ક્ષણેક આવજે ને ક્ષણેક જજે, પણ મારગડે મને એકાદ સ્વપ્નું તો દેતી જાજે.)

ગુજરાતના કોઈક નવીને ગાયું —

સ્વપ્ન લેશો રે ! કોઈ સ્વપ્ન લેશો રે ?

તે પૂર્વે તો લોકકાવ્ય ગાયું હતું. આદિવાસીની ઊંઘમાંથી એણે આ સ્વપ્ન ઉપાડી લીધું :—

તને મેં સપનામાં દીઠી —
ભમરાના જેવા રંગબેરંગી ઝલકતી ચૂંદડી,
કાળા કેશમાં કંગનથી સેંથો પાડતી,
કાંડે કાળી બંગડીઓ;
આંખો ઉઘાડી, આસપાસ જોયું,
અરેરે ! બિછાનું સૂતું હતું.