પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતનાં લોકગીત


એવું તો તમે ભાગ્યે જ કહી શકો, કે મુંબઈ નગરીની પ્રિન્સેસ સ્ટ્રીટના ફૂટપાથ પર ગુજરાતનાં સાતસો જેટલાં લોકગીતો તમને ખરે મધ્યાહ્‌ને ઓચિતાં સામાં મળશે. સંતરાં–મોસંબીની ટોપલીઓ, કાંચકા–રમકડાની રેંકડીઓ, હજામત કરવાના સાબૂ, દીડકીની યાચના કરતાં ડોસાંડગરાં, કોઈક દાક્તર અગર વકીલ, એવાં તો કંઈ આવી અફળાય; પણ એકી સાથે સાતસો લોકગીતોનું શું ગજું, કે ગુર્જર સાગરપટ્ટી પરનાં કમોદનાં ખેતરોમાંથી સળવળી ઊઠીને નર્યા પથ્થરની ફરસબંધી પર મુંબઈ શહેરની ખદબદ માનવદુનિયામાં તમારી રાહ જોઈ ઊભાં રહે !

પણ આ હકીકત છે. હાથમાં કાગળનું દળદાર દાસ્તાન લઈને એક જુવાન ભરૂચા બિલ્ડિંગની આલેશાન ઈમારતના ઓળામાંથી પસાર થતો થતો જરા સંકોચ સાથે થંભ્યો, અને એણે, વગર પરિચયે પણ હિંમત કીધી:

‘આ મારે તમને બતાવવાં હતાં. આ જુઓ, સાત સો છે, અઢી વરસથી રઝળીને મેં એકઠાં કર્યા છે; બે મિનિટ ઊભા રહેશો? આ જુઓ.’