પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતનાં લોકગીત
૧૬૫
 


‘અને જુઓ તો ખરા !—આ વિનોદગીત :—’ એમ કહી, જુદા જ તાલલયમાં, સમગ્ર અંગનો નખશિખ મરોડ દેતે દેતે ગુંજી બતાવ્યું:—

ભાંગી રે ભીંતમાં પરવલ્લી,
ડાલમ ડોલમતી જાય.
વેવાણને કરડી ગાલમાં,
વેવાણ બબડતી જાય.

ક્યારે કરડી ક્યારે ?
ચાંદો ઊગ્યો ત્યારે !
મરી મસાલો,
તેલનું ટીપું,
ચાં,ચૂં, ને ચપ !

‘આ ગીત લગ્નપ્રસંગે ભરવાડ લોકો નૃત્ય કરતાં કરતાં ગાય છે. આ પરવલ્લી એટલે ગરોળી, ગીતમાં ‘ડાલમ ડોલમતી જાય’ એમ કહ્યું, બરાબર એવી જ ગતિએ ગરોળી ચાલતી હોય છે, જાણો છે ને?’

મારું વિસ્મય શમે તે પહેલાં તો એ જુવાને કૈંક પંક્તિઓ ને જૂજવા ઢાળ એ ફરસબંધીના પથ્થર પર પીરસી દીધા. પછી ઘડી વાર દમ ઘૂંટવાની રાહ પણ જોયા વગર એણે આત્મનિવેદન માંડ્યું :

‘અમારા સૂરત બાજુના ગ્રામપ્રદેશમાં ગવાતાં આ ગીતો છે, જુઓ અહીં મેં એ એકત્ર કરીને ગોઠવ્યાં છે. જુઓ વિભાગો પાડ્યા છે : સીમન્ત, જન્મ, પ્રસૂતિ, હાલરડાં, બાળકૂદકણાં, લગ્ન, શણગાર, પ્રેમ, વિરહ અને છેક મૃત્યુ.