પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
છેલ્લું પ્રયાણ
 

 બે સ્ત્રીઓ ગવરાવે, ને બીજી દસવીસ ઝીલે. પ્રલમ્બિત સારંગ-સૂરાવળ : ઉપર જે પ્રમાણે ટુકડા પાડ્યા છે, તે પ્રમાણે તોડીને ગાય. ગદ્યને જાણે કે રાગે નખાય છે. કાતિલ છે, અતિ કાતિલ છે આ સ્વરાવલિ.

ગોરી તમારાં
મનડાં ઝાંખાં રે !

મિલન થવા છતાં મનડાં ઝાંખાં ? કીમતી આભરણો આણ્યાં તથાપિ કાં ન રીઝ્યાં ? અરેરે, કલ્પના તો કરો આ નાવિક–પતિના જીવનમરણના મામલાની ! —

દરિયામાં જઈ
ઝોલા મેં ખાધા રે

તોયે તમારા મનડાં ઝાંખા કેમ ગોરી ?

નારીવૃંદ નરની જે વેદનાને અહીં શબ્દ આપે છે, તે ઉત્કૃષ્ટ ઊર્મિકાવ્યનો નમૂનો પૂરો પાડે છે. આ ‘મનડાં ઝાંખાં’ અકારણ છે કે એની પાછળ કોઈ ઊંડું પ્રયોજન પડ્યું હશે ? ચિરકાળની ભયભરી, ચિંતાભરી વિયોગદશાએ સંયોગને શું અવાસ્તવિક કરી મૂક્યો હશે ?

આ ગદ્યપદ્યાત્મક રચના, અને એને ગાવાની સારંગની દર્દભરી લઢણુ — સારા ય ગુજરાતનું એ સજીવ તત્ત્વ છે. શું સાગરકાંઠાને કે શું ઇડરિયા ગિરિપ્રદેશને, સકળ ગુજરાતને કંઠે આ સારંગ લહેરાય છે, અને મારવાડ રજપૂતાનાની જોડે ગુજરાતને રેવી આપે છે. ગુજરાત-રાજસ્થાનનો એ ધરતીનો ટહુકો છે.