પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ ગુજરાતનાં લોકગીતો
૧૭૫
 


એક લીલા તે વાંસનો માંડવો,
એને સડી જતાં નવ લાગી વાર રે — અવસર૦

સ્વ. કવિ નાનાલાલનું અતિપ્રિય લોકગીત યાદ આવે છે :—

ઠાકોર, કેવડો લેતા જાવ,
કે આગળ નહિ મળે રે લોલ

ઇહજીવનની અલ્પકાળ ટકનારી રસોલ્લાસની મોસમને રખે કોઈ ચૂકી જતાં, ઓ માનવીઓ ! આ કેવડો આગળ જતાં નહીં મળે. આ ઝીણી પછેડીની ઓઢણીને ખસી જતાં વાર નહિ લાગે. આ મોગરે મહેકતી ફૂલડાળી ક્ષણ પછી તો ખાટી બહેકેલી વાસ કાઢવા લાગશે.

મધુભાઈએ અમને છેવટે શ્મશાનની વાટે લાવી મૂક્યા. શબયાત્રા નીકળે છે, આગળ મરદો ભજન ગાતા જાય છે ને પાછળ ઓરતો રડ્યા કે કૂટ્યા વગર ગાતી ગાતી ચાલે છે —

વૃંદા તે વનમાં તળાવડી રે બની !
કમળ કેરાં ફૂલ જોને બેની !
ધૂપ પડે ને કરમાય,
જો રે બેની !

એ જ રસોલ્લાસક સારંગ રાગ : એ જ ચલતીનો તાલ : કરુણની પારસીમા —

આઘું જઇને પાછું ભાળિયાં રે બેની !
શું એક આવે છે સંગાથ,
શું એક આવે રે સગાથ,
જો રે બેની !