પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
 


તે કાળના ગુરુઓની સ્મૃતિમાં એક વ્યકિત વાજસુરવાળાને હૃદયે સચોટ અંકાઈ છે. ભાવનગરના હાલના નાયબ દીવાન નટવરલાલ સૂરતીના પિતા માણેકલાલ સૂરતી. વર્ગમાં માણેકલાલભાઈ ભણાવે; કોઈ કુમારે પાઠ કર્યો ન હોય તો બીજી શિક્ષા કરવાને બદલે કોચવાઈને માણેકલાલ માસ્તર કકળી ઊઠે: ‘અરે સાહેબ, તો પછી અમને મફતના પગાર શા માટે ખવરાવો છો? તમારાં નાણાંની આમ બરબાદી કાં કરો?’

વાજસુરબાપુ બીજી એક વાત નવાનગરના મરહૂમ જામ રણજિતસિંહની કહે છે. વીભાજી જામે દત્તક લીધેલ આ ભાયાત–પુત્ર નગરના ટીલાત લેખે રાજકોટ ભણવા આવ્યા ત્યારે કેટલીક રિયાસત સાથે લાવ્યા હતા. પછી એક દિવસ જામસાહેબના આમરણ નામે તાલુકાના તાબેદાર પાટવી પણ ભણવા આવ્યા. અને રણજિતની આંખ ફાટી. આમરણના તે ખવાસ રાજા ! જામનગરના ગોલા ! (ભૂલી ગયા રણજિત, કે આમરણનો મૂળ ધણી મેરૂ ખવાસ તો એ ગોલો હતો કે જેને માટે ચારણે ગાયેલું—

ગોલા—ગોલા—ગોલા !
ગોલા ! ગોઠણ હેઠ, નરપત કંઈક નમાવિયા;
ભૂપત છોડે ભેટ, મોઢાગળ તારી મેરૂવા.)

એમાં પણ પાછો આ ગોલાનો કુંવર રણજિતસિંહ એવું નામ ધારણ કરે ! એવા કુલાભિમાનથી આમરણ–કુમારનો મૂંગો બહિષ્કાર કરાવ્યો. રાજકુમારોની પંગતમાં એ બેસી ન શકે.