પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
૧૧
 


હતા. ઉંમર મોટી થઈ ગઈ. આખરે એમનાં એક રાણીને દીકરો અવતર્યાનું જાહેર કરવામાં આવ્યું. આ કુંવર બનાવટી છે એવી એક બાતમી એજન્સીમાં પહોંચી. એમાંથી તો એક મોટો મામલો ખડો થયો. પ્રાંતના તે સમયમાં પોલિટિકલ એજન્ટ કહેવાતા વડા ઓલીવટ સાહેબને એ હાડોહાડ વ્યાપેલી વાત બની. એ કુંવરની કહેવાતી જન્મદાત્રી રાણીનું એકાએક જાહેર થયેલું મૃત્યુ, અને એ છોકરો જે ઈતર કોમનાં માબાપનો લેવાયેલો હોવાના પુરાવા પડ્યા તે માબાપ (સ્ત્રી ને પુરુષ બેઉ)નું બદ્રી-કેદારની જાત્રાને નિમિત્તે એકાએક ગાયબ બની જવું: વગેરે ત્રાગડા ઓલીવન્ટ સાહેબના હાથમાં આવ્યા. વાજસુરવાળા તે વખતે કૉલેજ-કાળ પૂરો કરી, રાજગાદીની સોંપણી પૂર્વેની એક તાલીમ લેખે, કલાપીની સાથે હિંદના પ્રવાસે હતા. મુંબઈમાં એમને તાર મળે છે: પ્રાંત સાહેબ સોનગઢ બોલાવે છે. જાય છે. પ્રશ્નોતરી થાય છે ‘કુંવર-કેસ વિષે તું જાણે છે ને?’ ‘જી હા.’ ‘કુંવર બનાવટી ઠરે તો એ સમસ્ત ના-વારસ ગરાસ તને જ મળે તે પણ જાણે છે ને?’ ‘હા.’ ‘તો તું પણ એ મામલામાં સાક્ષી પુરાવ.’ ‘એ હું નહિ પુરાવું’ ‘આવડો મોટો તાલુકો ગુમાવીશ.’ ‘એવા તાલુકામાં મને રસ નથી. મારું છે તેટલું ઘણું છે.’

ઓલીવન્ટ સાહેબ રોષે ભરાયાઃ ‘યાદ રાખજે, તને ગાદી સોંપાવા નહિ દઉં.’ ‘તો ઈચ્છા,’ કહી દરબાર સાહેબ ચાલ્યા ગયા. ઓલીવન્ટ સાહેબે બોલ્યું કરી બતાવ્યું. યુવાન વાજકુરભાઈને બેએક વર્ષ ઘણું ભોગવવું પડેલું.