પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
૧૩
 


ખવાસ વજીરની એવી મીઠીમધ સંમતિ મેળવીને વીભા જામ સૂએ છે—સવારે એમને ફરી ઊઠવાપણું રહ્યું નહોતું.

એ વીભાજી જામની ચિરનિદ્રા, એ વડારણ મોંઘીને શોભના કરી પરણી કાઢવા માટે કવિ કલાપીએ છેતરીને બહાર મોકલેલો મોંઘીનો વર, એ જુવાનની આંખોમાંથી હડાળાને દીવાનખાને દડેલી અશ્રુધારા, એનું અદૃશ્ય બની જવું, એ બગસરાવાળી કુંવર-બનાવટ સાથે બાઝેલી ત્રણ જીવાત્માઓની વિલોપન-કથા, અને એ કુંવર-કેસનાં કાગળિયાંની પેટીની અદલાબદલીનું કરુણ રોનકઃ મારી ત્રીજી ટાંચણપોથીનાં પ્રારંભનાં પાનાં પર પડેલાં પચીસેક કાઠી- ગીતોની પાછળ પાછળ આવડી મોટી વાત ખેંચાઈ આવી છે.

+

‘જીવણદાસજી: બાપ જલા ભગત: દીકરો દેસા ભગતઃ ભંડારી (સ્ત્રી) બેઃ (૧) જાલુ માતા જુનાગઢનાં.’

‘દાસી જીવણ’ નામે જાણીતા, પ્રેમલક્ષણા ભક્તિ ગાતા ચમાર સંત જીવણદાસ વિશેનું આ ટાંચણ ’૨૮ની સાલમાં એ સંતના ગામ ઘોઘાવદરના પ્રવાસનો સ્મરણ–ખાંભો છે. ગોંડળના વિદ્યાધિકારી, ને મારા કૉલેજ-કાળના એક સ્નેહી સહપાઠી શ્રી ચંદુલાલ બહેચરલાલ પટેલના સૌજન્યને આભારી આ ઘોઘાવદરની યાત્રા હતી. સોએક વર્ષ પૂર્વે થઈ ગયેલા આ સંતનું ઘર, ચમારોનાં બીજાં ખોરડાંની સાથે એક આંબલીઓના ઝુંડ વચ્ચે ઊભું હતું. ચામડાં ધોવાનો એ સંતનો કુંડ પણ ત્યાં બતાવવામાં આવ્યો. ટાંચણમાં એના ચહેરાનું ટૂંકું વર્ણન છે—