પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ દુનિયા હજુ દૂર નથી ગઈ
૧૯
 

 ગૃહસ્થોની એક ટુકડી અંદર દાખલ થઈ, બારી પાસેના એક મેજ ફરતા તેઓ બેસી ગયા અને પછી તેમાંથી એક સ્વચ્છ સફેદ પારસી પરિધાનધારી દાઢિયાળા વૃદ્ધ એક અંગ્રેજી લખાણ વાંચવા માંડ્યું. મારા કાન ઝબક્યા. વિષય Marriage-Songs (લગ્નગીતો)નો લોકગીતો પર અંગ્રેજી ભાષામાં આપણા કોઈક ગુજરાતી વિદ્વાનો વિવરણ કરી રહ્યા છે એથી મનમાં છૂપું આત્મગૌરવ કૂદાકૂદ કરી રહ્યું. પુસ્તક પડતું મૂકીને મેં આ વંચાતા લેખનું ટાંચણ દૂર બેઠે બેઠે કોઈ ન જાણે તેમ પોથીમાં પકડવા માંડ્યું. ટાંચણમાં લખ્યું છે કે....

‘ગ્રીસમાં લગ્નગીતો એપીથાલામિયમ્સ કહેવાતાં. પરણેલ દંપતી પોતાના શયનખંડમાં સૂવા જતાં ત્યારે નાનાં છોકરા ને છોકરીઓ ગાતાં.

‘ગ્રીસમાં સવારે ને રાત્રિએ દંપતીના શયનગૃહમાં ગીતો ગવાતાં.

‘એ ગીતો તત્કાલીન જમાનાની દૃષ્ટિએ અશ્લીલ પ્રકારનાં ગણાય તેવાં હતાં.

‘રોમન લોકોમાં ફક્ત છોકરીઓ ગાતી.

‘ઝોરસ્તર લગ્નગીતો: પ્રાચીન ઈરાનીઓમાં પણ તેમનાં લગ્નગીત હતાં.

‘ગાથાનું પ૩ મું પ્રકરણ એ એક પેગમ્બરે એની પુત્રીના લગ્નપ્રસંગે રચેલું લગ્નગીત જ છે.