પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
છેલ્લું પ્રયાણ
 

પણ આ અંગ્રેજી ટાંચણ દ્વારા હું જે શોધું છું તે તે કાઠિયાવાડના ઘોઘાવદર ગામના દાસી જીવણ અને દૂર પડેલા દક્ષિણ હિંદ વચ્ચેનો સંબંધિતંતુ છે. ટાંચણ કહે છે કે 'દક્ષિણ હિંદનાં લોકગીત રચનારાઓ અને ગાનારાઓ ઉચ્ચ વર્ણનાં લોકો નહીં પણ ધાર્મિક ભિક્ષુક જમાતોના રોટી માગતા રઝળુ સાધુઓ હતા અને એમાંના પણ મોટે ભાગે દેવદાસીઓના દીકરાઓ હતા. તેમના પિતા કોણ અને તેમની જાતિ કોણ તેની તેમને ખબર નહોતી. દેવમંદિરમાં પ્રભુને સમર્પિત થએલી નર્તકીઓના આ પુત્રો હતા. સમાજ તે નબાપાઓને પાછા અપનાવી લેતો અને લગ્નસંસાર પણ માંડવા દેતો. દેવના આ દાસોને કોઈ તિરસ્કારી શકતું નહિ, તેમ મુઠ્ઠી ભાત કે બે ચપાટી આપવાની ના પાડી શકતું નહિ. લગ્નમાં અને જમણમાં, ઉપવાસમાં અને મરણપ્રસંગમાં, વાવણી અને કાપણીનાં પર્વોમાં, પૂર્ણિમા અને સંક્રાંતિ પર આ દાસને નોતરવામાં આવતો. એનાં કીર્તનોનું શ્રવણ થતું, અને એને પુરસ્કાર અપાતો. લગ્ન વખતે એ કૃષ્ણનાં ગાન ગાતો અને મૃત્યુ પ્રસંગે યમનાં; કુમારિકાઓ પાસે કામદેવનાં અને પુરુષો પાસે રામનાં. ભીખતો ભીખતો એ શીલ અને સ્વધર્મનાં ગીતો ગાય છે.'

આ દ્રવીડી 'દેવોનો દાસ' ગુજરાતના માર્ગી સાધુને ઘણોખરો મળતો આવે છે. જેની ગુપ્ત સમૂહક્રિયાઓને માટે ઘણું ઘણું અનાચારયુક્ત સંભળાય છે તે બીજમાર્ગી સંપ્રદાયનું ફરજંદ આ માર્ગી સાધુ એકતારો લઈને ઘરેઘર ઊભું રહે છે ત્યારે દ્રવીડી દેવદાસના જેટલો જ આતિથ્યને પાત્ર બને છે. એક શબ્દનો પણ ફેરફાર