પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એ પ્રાણ હજુ મર્યો નથી
૩૯
 

 ઓફ અપર ટેમ્સ' સંગ્રહ્યાં છે. આપણો એ સમકાલીન: એનો સંગ્રહ પણ ૧૯૨૩નો. એના પ્રવેશકમાંથી એક ધારે ઉતારા કર્યા છે, એ કહે છે કે-

'મારે નિસર્ગ અને જીવન બેઉ જેવાં હતાં. મેં યત્ન કર્યો છે સુંદર તેમ જ વાસ્તવિક ઉભયનું આલેખન કરવાનો.

'મારે માટે ત્યાં ગીતોની હસ્તી જોયા ભેળી જ પકડાય તેવી નહોતી. સેંકડો ગામોમાં તમે ફરી વળો,આંખો ઉઘાડી ભલે હોય ને બુદ્ધિ જાગ્રત ભલે હોય, છતાં એક પણ ગીત જડે નહિ. ગીતો કંઈ ધોરી રસ્તા પર રાહ જોતાં નથી હોતાં. એ તો લપાયાં હોય છે ખૂણે ને ખાંચરે. આથી જ એ સામાન્ય પ્રવાસીઓની આંખે ચડતાં નથી.

'સાદી વસ્તુઓ જ મહાન હોય છે અને પ્રાથમિક વસ્તુઓ પાયાની હોય છે. ઇમારતનો ઉપલો ભાગ વિલુપ્ત થયો હશે ત્યારે એ પાયાની સામગ્રી જ ટકી રહેશે.

'હમેશાં એવું બન્યું છે કે જ્યારે કલા, સાહિત્યમાં કે ચિત્રમાં ઊતરી ગઈ હોય છે, ઝાંખી પડી ગઈ હોય છે અથવા સાચે માર્ગેથી ચાતરીને અર્ધગતિને પામી હોય છે, ત્યારે એનો પુનરુદ્ધાર મૂળનાં પ્રાથમિક સ્વરૂપનું જ શરણ લેવાથી થઈ શકયો છે. આજે પણ આપણું સાહિત્ય, વિશેષે કરીને આપણી કવિતા,-ઊર્મિકાવ્યોની તેમ જ મહાકાવ્યોની– એ જ માર્ગે નવસંસ્કરણ માગે છે. નવા ભાવોદ્રેકને આપણે મારવો કે રૂંધવો નથી, પણ જૂની નસોમાં નવું રુધિર ભરવું છે, નવી નસોમાં જૂનું લોહી નહિ.