પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સજણ ગિયાં ને શેરીયું રહી!
૪૯
 


¤

નાની એવી બે પંક્તિમાં પણ રૂડું રૂપક મૂકી આપ્યું -'ચાર્યું માજમ રાત’ : વનવાસી સંસારની માટીમાંથી આપોઆપ ઉદ્ભવતી એ કલ્પના લોકસાહિત્યનો વિશિષ્ટ પ્રકાર બતાવે છે. પશુઓને આખી રાત પહર ચારનારાં માનવો જોબનને એમની ન્યારી રીતે પિછાને છે.

¤

દાંતને પણ પડતા દેખીને લોકકવિ ઉપાલંભ દે છે :

દંતડા, દિન સંભાર, શી શી ચીજું ચખાડિયું,
લાજ્યા નહિ લગાર! હાડાં પહેલા હાલિયા!

પણ લોકકવિતા 'ફસ્ટ્રેશન'નું – વિફલતાનું શરણું સ્વીકારતી નથી. સમાધાનવૃત્તિ એ એનું મોટું લક્ષણ છે. વિદાય લેતા દાંત સ્વામીના એ ઉપાલંભને તરત જવાબ વાળે છે –

અમને ન દેજો દોષ, જાયું તે સૌ જાવશે,
રૂદા ન ધરજો રોષ, (અમારાં) પેઢાં પ્રતમ્યા પાળશે.

એવા વાર્ધક્યના વિચાર-પગથિયેથી જ શું મારો ભરૂ (ભરવાડ) ભાઈબંધ યાત્રાસ્થાનોની યાદમાં ઉતરી પડ્યો હશે ? ત્રૂટક છૂટક અને પરાપૂર્વના સંબંધ વિનાનું એનું કાવ્ય-રટન ઉંડાણે એના અંતસ્તલમાં શું કઈ સંબદ્ધતા અને સુમેળ સૂચવતું હતું? એણે ગિરનારના કોઈ તીર્થસલિલને સંભાર્યુ :

મરઘી કંડના પથ્થરા, (તુંને) કેતા જુગ થિયા?
માનવી હતાં તે મરી ખૂટયાં, પથરા ઈના ઈ રિયા!