પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
છેલ્લું પ્રયાણ
 


સુનકાર છે, અવરજવર નામ નથી, છે ફકત, સામે ઉઘાડી પડેલી ભોંય ઉપર લજજતથી ચૂપચાપ બેઠેલ કાળાં કપડાંવાળા સોએક શખ્સોનું ટોળું. આડે દહાડે મજૂર હોય તે હુલ્લડમાં મવાલી બને છે.

'કેમ કોઇ બોલતું કાં નથી ? અરે ખોલો !'

જવાબ નથી જડતો. ગાડી થંભી ઊભી થઈ રહી છે. સ્નેહીનાં પુત્રી ખોળામાં બાળક સાથે હજુ વિકટોરીઆની અંદર છે.

મારી નજર મકાનની બારીઓ પર પડી; એ બધી બંધ હતી. નજરે ચડતી ચડતી અગાસીએ પહોંચી ત્યારે દેખાયા ધોતિયાં ને ખમીસરભેર ખુલ્લે માથે ઉભેલા મૂંગા હિન્દુ મહોલ્લાવાસીઓ; એમાં આ બહેનના પતિને જોયા. કહ્યું:

'અરે ઉઘાડો તો ખરા....બહેનને લાવ્યો છું.”

જવાબ નથી દેતું કોઇ. મને મૂઢને પણ સમજ પડતી નથી પરિસ્થિતિની. થોડી વાર રહીને એ ભાઈ નીચે આવે છે, બારણું ખોલે છે, પત્નીને ને બાળકને સામાન સહિત ચુપચાપ અંદર લઈ લે છે, મને કશું કહેવા પણ થોભતા નથી. હું ગાડીવાળાને ભાડું ચૂકવી મારું બિસ્તર ખભે ભરાવી ચાલતો થાઉં છું. પેલા સોએક શખ્શો તાકતા ચુપચાપ જ્યાં બેઠા છે ત્યાંથી જ મારો માર્ગ છે. એમાંનો એક જણ મને ફક્ત એટલું જ પૂછે છે-

‘કેમ બાબુ, ઉપડાવવું છે બિસ્તર?'

'ના,' કહીને હું મહમદઅલી રોડ પર ચડું છું.

+