પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
છેલ્લું પ્રયાણ
 


કહ્યુ કે “હું તો વગર જાણ્યે છેક મૃત્યુના મોંમાં પગ મેલી આવ્યો. કશી ખબર નથી. ગાડીવાળાની ચુપકીદીનો મર્મ હવે મને સમજાય છે. પણ એનો શું વાંક ! પેલાં બહેનના પતિએ પોતાની સગી સ્ત્રી ને બાળકને લેવા ઊતરવામાં તો વિલંબ કર્યો, પણ લેવા આવીને મને તો શબ્દ સરખો ય ઉચ્ચાર્યા વગર ઝપાટાબંધ બારણાં બીડી લીધાં, ને પચાસેક મર્દો અગાસી પરથી એક હરફ વગર, મને નીચે એકાકી ને અસહાય અવસ્થામાં જોતા રહ્યા. પેલા ટોળામાંથી એકે પૂછયું કે, બિસ્તર ઉપડાવવું છે ! બસ તે સિવાય કશો સંચાર પણ ન કર્યો. જરા છેટે જવા દઇ પાછળથી જે કરવું હતું તે કરી નાખત; પણ એક મુસ્લિમ ડ્રાઇવરે મને ઊંચકી લીધો.

એમ કહેતો ઉપર જઈ જોઉં છું ચારેક જે ઘર હતા તેમાં સ્ત્રીવર્ગ અને બાળકો હાજર નથી ! 'એ બધાને વગેસગે કરી આવીને અમે મરદો જ અંદર રહી રાંધીને ખાઈએ છીએ. ઘરમાં જે કાંઈ છે તેના પર જ ગુજારો ચાલે છે આ ગલીમાં હિંદુ ધોબીઓ રહે છે, તેઓ મક્કમપણે અહીંથી હુલ્લડખોરોને વેગળા રાખી રહેલ છે અને અમારી સલામતીના ચોકીદાર બન્યા છે. તમે કેમ આવ્યા તે તો કહો !'

'લોકસાહિત્યનું ભાષણ દેવા.'

"અરે આજ તે કાંઈ ભાષણ હોતું હશે? તમને ખબર નથી આપ્યા એ લોકોએ ? ”

'ના'.