પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
છેલ્લું પ્રયાણ
 


છૂરીના સપાટાએ આ હથિયાર બહાર કાઢવાનો યે સમય ન આપ્યો હોત. તે બધું આજે તે સ્પષ્ટ સમજાય છે. તે દિવસે દિલમાં રંચ માત્ર ફફડાટ ન હતો. મુકાબલાનો મોકો મળતાં, કતલખાનાના બકરા પેઠે નહિ જ મરવું પડે એ એક મિજાજ મનના છિદ્રોને ભરી રહ્યો હતો. 'Live dangerously : જોખમના ભય વચ્ચે જ દમ ઘૂંટો, દોસ્તો !' એ સુભાષચંદ્રનું સૂત્ર આજે લાખ કલેજાને સર કરી ચૂકયું છે એમાં આશ્ચર્ય નથી. તે દિવસની સહચરી રિવોલ્વર આજે છાતીસરસી નથી રહી, છતાં એની યાદ પણ થીજેલા લોહીમાં થોડો અગ્નિરસ સીચે છે. વ્યાખ્યાનમાં પ્રમુખ ને મંત્રી, સ્ત્રીઓ ને પુરુષ બધાં બરાબર આવ્યાં. રાતે વ્યાખ્યાન બરાબર પતાવી કાઠિયાવાડ મેઈલમાં મુંબઈ છોડ્યું. તે પછી હુલ્લડ વધુ સળગી ઊઠ્યું.

આ વ્યાખ્યાનોનો સારભાગ સાપ્તાહિક “સોરાષ્ટ્ર"માં પ્રકટ થતો. એ રજકણોના વિસ્તરણનું વતુંર્લ ઘણું પહોળું હતું, પણ એનો પડઘો એક દિવસ જે દિશાએથી આવ્યો તે તે અણચિંતવી દિશા હતી. પાંદીચેરી ખાતેના શ્રી. અરવિન્દ ઘોષના આશ્રમમાંથી એક કાગળ આવી પડ્યો. લખનારનું નામ તો વળી વિશેષ અણધાર્યું નીકળ્યું. ગુજરાતના યોવન-લોખંડને વીરશ્રીની એરણ પર ટીપનાર શ્રી. અંબુભાઈ પુરાણીની નામના સાંભળી હતી. પણ મર્દાઈને કસનાર એ આદમી પાસેથી લોકસાહિત્યના રસની ધારણા રાખવા જેવું કંઈ કારણ નહોતું. વળી અમે બેઉ તો પરસ્પર