પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
છેલ્લું પ્રયાણ
 


પુત્રી પદ્મા. પોતાના જોબન–આંબાને લૂમો તો લાગી છે, પણ 'આષાઢને આંબે' એ કઈ રીતે? કળ પડતી નથી. પદ્મા બોલાવે છે માંગડાવાળા નામના જોદ્ધા જુવાનના પ્રેતને.

સોરઠી કથાસાહિત્યમાં સૌથી નિરાળી ને વિલક્ષણ એવી ભૂતના પ્રેમની વાર્તા સૌ પહેલી હડાળે દરબારશ્રીની પાસેથી સાંભળેલી, અને પોતે વારંવાર જે એક દુહો બોલી ઊઠે છે તે હૈયે રહી ગયેલો-

વડલા ! તારી વરાળ
પાને પાને પરઝળી,
'કિસે ઝંપાવું ઝાળ,
(મને) ભડકા લાગે ભૂતના.

એ વાર્તા તા. ૧૫-૪-૨૯ને પહેલે પરોઢિયે ચાલતી ટ્રેનમાં કોણ કહી ગયો એનો નામોલ્લેખ તો નથી, પણ દુહા છે. ખાંડાબાંડા જેવાક થોડા. એ વાર્તામાં વડલો લગભગ એક પાત્ર જે બની ગયો છે. પહેલેથી છેલ્લે સુધી વડલો વાર્તાનો મધ્યસ્થંભ છે. ગામનું ગૌધણ વાળી જતા શત્રુઓની વાંસે જુવાન માંગડો ઘોડો દોટાવે છે, પણ લુંટારુઓનો સામનો કરે તે પૂર્વે તે વડલા સાથે એનો શિરપેચ લપેટાઈ જાય છે, એટલે શત્રુઓ એને ઠાર મારે છે. ટ્રેનમાં ભેટી જનારનો કહેલ દુહો ટાંચણમાં છે-

વડલે વીંટો લે'
સોનેરી સરપાધનો.
આહરો બાયલ આવે
માર્યો છેલ માંગડો.