અંદર દૃષ્ટિ કરે છે, 'દોડો, દોડો' એવું બુમરાણ પડે છે,
જાળીની ખપાટો તોડવામાં આવે છે, અંદર લટકે છે–
ગળાફાંસો ખાતી એકાદ સિપારણ. નવાનકોર ઉત્સવ-લૂગડાં
પહેરી કરીને છાપરે બાંધેલ ગાળીઆમાં એણે ગળું પરોવ્યું
હોય છે !
પણ તમારા કુતૂહલને નિરર્થક ઉશ્કેરી રહ્યો છું, આ પોલીસબેડાની દુનિયા અનોખી છે. તમારી સામે તાળાબંધ છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ, એકાદ નાનામોટા અમલદારને ઘેર બાળક બનવું જોઈએ, ઊંઝરવું જોઈએ અને તમારી ઉમ્મર પણ ફક્ત એટલી જ હોવી જોઈએ કે તમે આ સિપાહી-કોટડીઓનો સંસાર જુઓ છો છતાં સમજી કાંઈ જ નથી શકતા એવી એક ભ્રમણા ત્યાં ચાલુ રહે. ભ્રમણા જ હોય છે તે બધી, કારણ કે ગળાફાંસો જોયો ત્યારે હું માંડ સાત વર્ષનો હોઈશ.
શિશુકાળની સ્મરણ-છાપ કેટલી ઘેરી હોય છે, અને તે છતાં આવાં લાખો શૈશવની માવજત કરનારા માવતરો માસ્તરો, વાલીઓ ને પાલકો કેટલાં ગાફિલ હોય છે !
એવા પોલીસ–બેડામાંથી બુજરગોને ગોતીને બહારવટિયાના કિસ્સા પકડવા જૂનાગઢ ગયો. શ્રી છેલભાઈ આ અગાઉ જ્યાંનું ઉપરીપદ કરી આવેલા તે જામનગરના બહારવટિયા