પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લું પ્રયાણ
૮૪
 


'ભેણ, હલ, મોર થી, અને કેર ના ચીયેતો? કીન્જી કંધરોટી મથે બો મથા ઈન !? (હાલ બેન, આગળ થઈ જા. કોણ ના કહે છે? કોની ગરદન પર બે માથાં છે?)

'જિનજે મથેમેં રાઈ હુઈ હી હલો આડા ફીરણ,' ( જેના માથામાં રાઈ હોય તે ચાલો આડા ફરવા }

ભેંસ દોતા દોતા છ ગામણા ભાઈઓ પણ હથિયાર લઈ ઊઠયા. પણ ભાયાએ પડકાર્યા, તેઓ ઘરમાં ઘૂસવા ગયા. ભાયાએ એકને ફળીમાં, બીજાને ઓસરીમાં, ત્રીજાને ચૂલા પાસે ઠાર માર્યો. ત્રણ ભાગી ગયા. ભાયો બેનને તેડી ઘેર આવ્યો, એ ત્રણે મરનારાઓની ખાંભીઓ માડીમાં છે. બે ફળીમાં ને એક ચૂલા પાસે.

પછી બાપ-દીકરે ગામ છોડ્યું, બાપ મુઓ. ભાયાએ ગામણાઓને દંડ ભરી માફી માગી કસુંબો પાયો. દગો ન કરવા બંને પક્ષે માતાજીના સોગંદ લીધા. ભાયો પાછો માડીમાં આવીને રહ્યો.

એક દિવસ ભાયો પોતાના નેસમાં ખાતો હતો. તે ટાણે ગામમાં રહેતા જામ શાખના ચારણો માંહેલો દેવો જામ આવ્યો. ભાયાએ કહ્યું:

'અચો અચો. હલ્યા હલ્યા. કોચી કોચી માની, ને ખીર, ને ગુણગાર વારી ચટણી અય વઇ વીનો ખેંણકે.” (આવો આવો. હાલો હાલો. ગરમ ગરમ રોટલો ને દૂધ, ને લસણ્વાળી ચટણી છે. આવી જાઓ ખાવા)