પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
ચિત્રદર્શનો
 

દેહના સુરથે સ્થાપી દેહી કેરો મહારથી,
ઈન્દ્રિયોના અશ્વ જોડી, લગામો વૃત્તિની ગૂંથી.

વિવેક સારથી માંડી, અખંડ પ્રભુની દિશે,
ત્‍હમે કીધી મહાયાત્રા વિશ્વના વિષયો વિશે.

નિત્યે જીવનમાં યોગી, તત્ત્વચિન્તક ચિન્તને,
શાણા સંસારી સંસારે, તપસ્વી જ તપોવને;

ભક્તિદેશે મહાભક્ત, કૂંપળો ભાવની કુંળી :
આપને આંબલે એમ ડાળીઓ સૌ ફળી ફૂલી.

શું શું સંભારું ? ને શી શી પૂજું પુણ્યવિભૂતિ યે ?
પુણ્યાત્માનાં ઉંડાણો તો આભ જેવાં અગાધ છે.


ને એવું યે હતું જ્ય્હારે પડ્યો'તો પિતૃભાવથી,
વીસારી પિતૃપૂજા હું પડ્યો'તો પુણ્યલ્હાવથી.

બહુ અવગણ્યા તાત ! અસત્કાર્યા, અનાદર્યા;
ને અપમાનને ગારે આ હાથે દેવ અર્ચિયા.

ખીજવ્યા, પજવ્યા પૂરા, કૂમળું દિલ કાપિયું;
ને ત્‍હમારા દિનો છેલ્લા ઝેર કીધા : સહુ ગયું.

ગયો તે યુગ મસ્તીનો, ઝંઝાવાતો ગયા બધા,
આપના મૃત્યુએ, તાત ! આછાં નીર ઊંડાં કીધાં.