પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૦૯
 

પાપની મોહિની પેખે, ન ત્‍હો યે મોહ પામતા,
પુરાણી ને પુણ્યવન્તી આર્યોની એ જ આર્યતા.

જન્મની વેળ જે આપે સંચી'તી મુજ અન્તરે,
નિભાવ્યો આર્યતાએ એ, ને બચાવ્યો પ્રભુવરે.

ભમે છે આ ગ્રહો આભે, કોઈ ત્‍હો યે નહીં પડે :
ન છૂટે દાંડીથી, જો કે વીંઝણો રમણે ચ્‍હડે.

રમીને ને ભમીને હું આવ્યો છું આપ છાયમાં :
દેજો એ છાંયડી શીળી, દીધી છે જેમ કાય આ.

સૌ અળવીતરાંની એ ક્ષમાઓ તાત ! આપજો :
ન જોશો માટીને દેવા ! માનજો પંક પંકજો.


અન્ધારી રાત્રિએ ઊંડા ધબ્દ હો અન્ધકારના,
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂત કાલનાં.

ડોલાવે આત્મની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા,
પ્રચંડ મોજે ઉછળે એ અવિરામ ઘોષણા.

અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી,
ગર્જે છે પડછન્દા કો એવા અન્તર્ગુહા ભરી.

ઘોરે જેવો અહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ,
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.