પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
ચિત્રદર્શનો
 

અને એ સ્મૃતિના ઉર્મિ, પડધા ભૂત કાલના,
ને એ બધા મૂંઝવે એવા બોલ જે મુજ બાલ્યના :

તે સૌમાં તરતો, જાણે ચન્દ્રમા વ્યોમને જલે,
સુણ્યો, આકાશવાણી શો, શાન્તિનો શબ્દ એક મ્હેં.

શમાવે પ્રભુના શબ્દો આ કોલાહલ વિશ્વનો,
એ શબ્દે એમ મ્હારો યે શમ્યો પોકાર ઉરનો.

વર્ષી માધુર્ય દેવોનું, અન્ધકાર ઉજાળતો,
પુરાણા યે યુગોને એ ઓળંગી શબ્દ આવતો.

જ્યોત્સનાની ધાર જેવો ભર્યો મન્ત્ર સુધામય,
એવો ગેબી સુણ્યો મન્ત્ર, पितृदेवो भव, प्रिय !


અધૂરી હા ! અધૂરી છે એટલી એટલી ઋચા :
અંકે લે ધરતી માતા, ભલે માર્તંડ હો ઉંચા.

નથી આવ્યા વિના આયુ, નથી ડાળી વિના ફૂલ;
નથી પૃથ્વી વિના પાયો, નથી માતા વિના કુલ.

હજી તો આભમાં મ્હારા બાળુડો સૂર્ય ઉગતો,
બાળુડા બોલનો ખોળે કાલો કલ્લોલ જામતો;

દીઠો કે ન દીઠો ત્‍હેં તે, સુણ્યો કે ન સુણ્યો કંઈ,
સંકેલી દેહની માયા વન્દીને વિશ્વને ગઈ.