પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૧૧૧
 

વીતિયા સ્‍હાંજ ને વ્હાણાં તે પછી બહુ વર્ષનાં;
ભૂલ્યો નથી હજી, માતા ! હાસ્ય તે તુજ હર્ષનાં.

આભના વર્ણથી આંજી વિશાળી તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી.

ભરેલા ભાવથી અંગે ડોલતી કુલહાથિણી;
ગૃહિણી ગુણવન્તી તું, મ્હોટે ચાંલ્લે સુહાગિણી.

સાદી શોભાથી શોભાતી, ધર્મીલી કુલધામની;
શામળે રંગ રંગેલી સેવિકા ઘનશ્યામની.

પ્રારબ્ધી, પુણ્યશાળી, ને પાપપાવનકારિણી :
ધૈર્યગામ્ભીર્યથી ધીંગી, દેવિ ! તું દુઃખહારિણી.

હેતવાત્સલ્યનાં વ્હેણે હૈયાનું પૂર ગાજતું :
ધર્મમૂર્તિ પિતા મ્હારા, ભક્તિની મૂર્તિ મત ! તું.

સદા સૌભાગ્યવન્તી ને સ્વામીસેવાપરાયણ;
વ્રતાળી, શાન્તિથી શીળી: જ એ ત્‍હારાં રસાયન.

નથી એ વીસર્યો ત્‍હારી ટૂંકી જીવનની કલા :
વીસારી વીસારે કેમ માતૃવાત્સલ્યની લીલા ?

દૂધથી તાહરા ત્‍હેં જે સીંચીંતી પ્રાણમાં સુધા,
નથી તે ઓસરી, માતા ! વાધી ઉર્મિ અનેકધા.