પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
ચિત્રદર્શનો
 

ગુર્જરી વાડીમાં એક નદી રેવા અનુત્તમ :
ગુર્જરી વાડીમાં તેમ માત રેવા અનુત્તમ.

ઓ અભિજાત આર્યાઓ ! ઓ આર્યો સહુ ભોમના,
સુણો આ વેદની ગાથા, મન્ત્ર આ પુર જોમના :

पितृदेवो भव, प्राज्ञ ! मातृदेवो भव, प्रिय !
સર્વ કુલાશ્રમો નિત્યે હજો એ ભાવનામય.


વિશાળી દુનિયા વીંટી ઘૂમે છે સિન્ધુ ગર્જતો,
તે સિન્ધુનાં ઉંડાં નીરે મુક્તાપુંજ વિરાજતો :

ઘેરીને પૃથિવીની પાળો પડી છે આભની ઘટા,
અહોરાત્ર તપે ત્‍હેમાં તેજના ગોલની છટા :

બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ ફાલિયો,
ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ.

પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં,
ખીલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા.


ગુણાળી ગરવી માતા ! પૂજ્ય બ્રહ્માદ્રિ ઓ પિતા !
ધરૂં છું ચરણે તે આ સ્વીકારો ગુર્જરી ગીતા.

સૌ ઉપનિષદો કેરા ભાવ શી આપ જિંદગી,
ને ઉપનિષદોના સૌ સાર શી આ ગીતા ઝગી.