પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૧૬)

મહર્ષિ દયાનંદ સરસ્વતી

કોઈ એક સૃજનજૂનું દેવાલય હોય, ને ત્‍હેના પ્રાચીન ખંડેરમાંનો જગતજગાડતો ઘંટારવ સુષુપ્ત થયો હોય એવા લોકવિસરાયેલા દેવમંદિરે કો મહાસંન્યાસી પધારે, પોતાના સર્વ સામર્થ્યથી ઘંટાનાદ ગજાવે, અને એમ સૈકાઓથી આથમેલા દેવપૂજનનો પુનરુદ્ધાર થાય : એવું દેવાલય તે ભારતવર્ષ, એવો જગતજગાડતો ઘંટાનાદ તે વેદટંકાર, ને એવા મહાસંન્યાસી તે મહર્ષિ દયાનન્દ સરસ્વતી.

ઠાંગાની ડુંગરમાળામાં આડીઅવળી વહી કાઠીઓના બામણબોરના પુરાણા ડુંગરી કિલ્લાનાં ચરણ ચુમ્બી મચ્છુ નદી હાલારના સપાટ પ્રદેશમાં જ્યાં બહાર નીકળે છે, ત્ય્હાં થી ત્રણચારેક ગાઉ પશ્ચિમે ડુંગરમાળની નાસિકા જેવું શિખરશગનું ન્હાનકડું અણીઅગ્ર છે. એ નાસિકા ગ્રહની ઉંચાઈ તો માત્ર ૪૦૦-૫૦૦ ફુટની જ છે, પણ એ ન્હાના શિખરનો મહિમા, ત્‍હેની ઉપર વિરાજતા જડેશ્વર મહાદેવના શિવમંદિરને લીધે, સારા યે હાલાર પ્રાંતમાં તો ગિરનાર જેટલો મહાન