પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
ચિત્રદર્શનો
 

વિદ્યાનો એ વારસો સાચવશે કે કેમ એ શંકાસ્પદ છે. ડુંગરમાળની ઝાલરના કાંઠાની હરિયાળી ઘટાઓવાળી વિદ્યાવન્તી રિદ્ધિવન્તી તીર્થોથી વિંટળાયેલી ભૂમિમાં મહર્ષિજીનો પુણ્યજન્મ થયો હતો. આજે પણ ટંકારાના દરબારદઢમાં મહર્ષિજીના પિતા કરસનજી મહારાજની ઘોડાહાર જિજ્ઞાસુ મુસાફરને દાખવાય છે. આજે પણ જડેશ્વરના શિવાલયમાં શ્રાવણની શિવતિથિઓ ને મહાશિવરાત્રીના શિવપરવ મન્ત્રોદ્‍ગાતા બ્રાહ્મણોના કલ્યાણધ્વનિ સાથે ઉજવાય છે. એ ડુંગરનું શિખરે છે, ને એ ડેમીના ભરેલા કાંઠા યે છે; પણ એ હરિયાળી ઘટાઓ વિખરાણી છે, અને આજનાં એ વિખરાયેલાં વક્ષોમાં એ મોરલો ટહુકારતો નથી.

ગૃહત્યાગ પછી કેટલાં યે વર્ષો સુધી મૂળજી બ્રહમચારી તીર્થોમાં ફર્યા, ને વિદ્યાભ્યાસ કીધો, પણ એ પરમ દર્શન ન પામ્યા ને આત્મતૃપ્તિ ન થઈ. અન્તે હિમાલયનાં જમણાં ને ડાબાં નેત્રોમાંથી અખંડ વહતી જ્યોતિર્ધારાઓ સમી જમનાગંગાને કાંઠડે વિરજાનન્દ સ્વામીના મઠમાં વિશ્રામ લીધો. તીર્થોમાં શોધતાં શોધતાં ત્ય્હાં પ્રજ્ઞાચક્ષુ ગુરુદેવ મળ્યા ને પરમ પ્રજ્ઞા પામ્યે જીવાપરના મૂળજી બ્રહ્મચારીનો વિશ્વવિખ્યાત ભારતભૂષણ સ્વામી દયાનન્દ સરસ્વતી રૂપે ત્ય્હાં જન્મ થયો. એવા ગુરુ વિરલા હોય, એવા શિષ્ય એથી યે મહાવિરલા હોય. શ્રીમદ્‍ભાગવત કહે છે કે શ્રી કૃષ્ણચન્દ્રે નિજ ગુરુદેવ સાંદીપનિ ઋષિને ગુરુદક્ષિણામાં ગુરુપુત્રને સજીવન કરી આપી ગુરુદંપતીનું વિદ્યાઋણ વાળ્યું