પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
ચિત્રદર્શનો
 

કુલમાં ત્‍હેના વસન્તના વાસ હતા.
વસન્તનો વર પામેલી વસન્તપૂજારણ
આંગણું ભરી ઉભી હતી.

સૌભાગ્યના આભૂષણે શણગારાયેલી,
સંસારના મહાશણગારરૂપ,
તે એક સૌભાગ્યવતી હતી.

પગલામાં ત્‍હેનાં પુષ્પ હતાં,
ચરણે ધરા ન્હોતી ચંપાતી.
કુલાશ્રમનો માથે ગોખ ધારી
પ્રારબ્ધપુત્રી તે સ્મિત કરતી સોહાતી.

સૌન્દર્યના ચન્દ્ર સમું મુખડું હતુ,
ને મુખડે મૃદુતા પમરતી.
લજામણીના છોડ જેવાં
ભ્રકુટિનાં ચાપ નમેલાં હતાં.
નીચે કલ્યાણકારી કીકીઓમાં
આદર ને આતિથ્ય ઉઘડતાં.
આંખલડી આનન્દભીની હતી,
કેશાવલી સઘન વિરાજતી.
અંબોડલે ફૂલવેણી વિલસતી,
મહીંથી સૌભાગ્યની ફોરમ ફોરતી.
હૈયામાં નાથની વરમાળ ઝૂલતી,
ઉરખંડે અનેરી ઘટા ગોરંભતી.