પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૨૧
 

અક્ષત કુંકુમના અધિકાર માગતી.
ભવોભવ, પ્રાણયાત્રાના તીર્થે તીર્થે,
એ વલ્લભનો સહચાર વાંછતી.

નવવર્ષાની વાદળી જેવી
તે આશાભરી હતી :
કુટુમ્બના આધાર જેવી
તે ધીર ધરિત્રી હતી :
સ્નેહની પરમ ભાગીરથી જેવી
દેવી પતિતપાવની હતી.

સૌભાગ્યના દેવ સરીખડો
કોડામણો કન્થ પધાર્યો :
સીતાની વાડીએ જાણે રામ.
જીવનનાં જલથી વધાવ્યો,
પ્રાણને પદ્માસન પધરાવ્યો.
આશા ઇષ્ટની સ્‍હોડમાં ઉભી :
મુમુક્ષુ મુક્તિને ઉમ્મર ઉભો.
આરતીની શિખાઓ સમોવડી
નયનોમાં જ્યોતિર્માળ પ્રગટી.
બારણે અદ્‍ભૂત ઉજાસ ઉઘડ્યો.
અન્તરિક્ષથી અનિલ આવ્યા,
સ્નેહના સન્દેશાઓ ભર્યાં તેજવાદળ
તે દિશદિશમાં લઈ પરવર્યાં.