પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૬)

કાઠિયાણીનું ગીત

મ્હારા સાવજશૂરા નાથ હો ! ત્‍હારે દેશ-કશા પરદેશ !

કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ;
સૂરજ ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળ :
મ્હારા સાવજશૂરા.

આભ ઢળ્યાં ધરતી ઉરે, ત્ય્હાં ગોરંભે કાંઈ ગીર;
કુંજે બોલે મોરલો, મ્હારે હૈયે નણદલવીર :
મ્હારા સાવજશૂરા.

રાતે ઉઘડે પોયણાં, ને દિવસે કમળની વેલ;
ભાદર ભરજોબન ભરી, એવી મુજ હૈયાની હેલ :
મ્હારા સાવજશૂરા.

ઉંચો ગઢ અલબેલડો, પડખે ચારણના નેહ;
ઝીણી ઝબૂકે વીજળી, મ્હારે ઝીણા વરસે મેહ :
મ્હારા સાવજશૂરા.