પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
ચિત્રદર્શનો
 

સાતમે માળ અટારીએ કાંઈ આછા વાય સમીર;
જીમી મ્હારી હેલે ચ્‍હડી, મ્હારાં ઝૂલે આછાં મલીર :
મ્હારા સાવજશૂરા.

આડાં ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પન્થ;
માણકીએ ચ્‍હડી આવશે મ્હારો સૂરજમુખો કન્થ :
મ્હારા સાવજશૂરા.

નેણથી ભાલા છોડતો, કાંઈ આંકડિયાળા કેશ;
ધણ વાળીને વળશે મ્હરો કન્થડ જોબનવેશ :
મ્હારા સાવજશૂરા.

આભ ઝીલીને રેવત ઉભો, ફરતો ગિરિનો સાથ;
વનમાં ગાજે કેસરી, કાંઈ ધીંગાણે મુજ નાથ :
મ્હારા સાવજશૂરા.

કસુંબલરાતી આંખડી, રોમેરોમ ઢીંગલનાં દૂધ;
બળબાહુમાં બરછી ઉછળે, ઢાલે ઢળકે જુદ્ધ :
મ્હારા સાવજશૂરા.

સાગર સમ સોરઠ તણી રે હિલોળા લેતી ભોમ,
ભરતીને પૂર પધારશે મ્હારો છેલડ જળને જોમ :
મ્હારા સાવજશૂરા.

ભાલે ટમકે ટીલડી, મ્હારે હાથે હેમત્રિશૂળ;
સિન્દુરે છાંટી ચુંદડી, મ્હારાં સોહે સૂરજકુળ :
મ્હારા સાવજશૂરા.