પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
ચિત્રદર્શનો
 

એ આદર્શ બન્ધાયા લાગે છે. એ બે પ્રસંગોમાં મહારાજના રાજજીવનની કુંચીઓ છે, અને મહારાણી લક્ષ્મીબાઈ સાહેબનું દેવ થવું ને મહારાણી ચીમનાબાઈ સાહેબ સાથે લગ્ન થવાં એ પ્રસંગમાં મહારાજના કુટુંબજીવનની ચાવી છે. એ ત્રણ પ્રસંગોમાંથી મહારાજના જીવનમહાલયના લગભગ સકલ ઓરડાઓની ત્રિગુણ સમી ત્રણ ચાવીઓ જડે છે, અને એ ત્રણે પ્રસંગો મહારાજની પહેલી પચ્ચીશીમાં જ બની ગયેલા છે.

મહારાજે શું શું કર્યું છે એ પ્રશ્નનો થોડામાં ઉત્તર આપવો સહેલો નથી, કારણ કે મહારાજે થોડું કર્યું નથી. છતાં એક બાદબાકી આવડે તો કરો : હાલનાં વડોદરા અને વડોદરા રાજ્યમાંથી ઈ. સ. ૧૮૮૧નાં વડોદરા અને વડોદરા રાજ્ય બાદ કરો, અને જે જવાબ આવે ત્‍હેમાં ઉપરના પ્રશ્નનો ઉત્તર ત્‍હમને મળશે. લગભગ એકડે એક અને મૂળાક્ષરથી જ મહારાજને પ્રજાઉદ્ધારનું પરિયાણ કરવાનું હતું. અને ત્‍હેમાં શારદાપીઠના પદવીધર જેટલો પ્રગતિવિજય મેળવ્યો છે. હવે તો પદવીધરની ને પ્રજાજીવનની ફત્તેહની પરીક્ષાઓ બાકી છે. રાજનીતિના ભૂમિતિસિદ્ધાન્તો અનુસાર બારમા સ્કન્ધ પ્રમાણેના પ્રજાઉદ્ધારનાં મહાઅટપટાં રેખાચિત્રો મહારાજે દેશપટ ભરી દોરેલાં છે, પણ ચિત્રકારનું જીવનચિત્ર, જાણે પ્રજામૂર્તિની રગેરગમાં જીવન ધબકે છે એવું જીવન્ત પ્રજાચિત્ર, હજી એ રાજચિતારાથી ચીતરાયું નથી.