પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
ચિત્રદર્શનો
 

કળાઓનું સુરમ્ય પ્રદર્શન દાખવે છે. ન્હાનામોટા બગીચા ને બાગ ને પાર્કથી રાજનગરને શોભાવનાર રાજવીમાં સૌન્દર્યભાવના ઓછી તો નથી જ. દરબારોની ભભક, અસ્વારીઓના ઠાઠમાઠ, શિષ્ટાચાર અને પ્રસંગ-પોશાકનાં નિયમપ્રથા ઘડનારને જીવનની સપ્રમાણતા ને સ્વરૂપતાનું જ્ઞાન સારૂં જ હોવું જોઈએ. સંગ્રહસ્થાનમાંના ને રાજમહેલમાંના વિશાળ ચિત્રપ્રદર્શનમાં મહારાજનો ચિત્રકલા પ્રત્યેનો રસીલો સદ્‍ભાવ સ્પષ્ટતાથી પ્રકાશે છે. એવી કેટલીક બાબતોમાં એક પશ્ચિમ લંડનવાસી સ્રુજનના જેવી સ્રુજનતા ને સંસ્કારિતા મહારાજમાં ખીલેલી છે. બ્રિજ, બિલિયર્ડ, ઘોડેસ્વારી, શિકાર, હાથીઓની સાઠમારી એ મહારાજની પ્રિય રમતો છે. બીજા ઉત્સવો સાથે વસન્તોત્સવ મહારાજને મનગમતો ઉત્સવ છે. મહારાણી સાહેબના મહિલાદરબારોમાં યે વૈભવ કે રસદર્શન ઓછાં નથી હોતાં. ' જે જે શ્રીમત્‍ ને ઉર્જીત છે તે તે ન્હારી વિભૂતિવન્ત છે' એમ વિભૂતુયોગમાં શ્રી કૃષ્ણચંદ્રે ભાખ્યું છે. એવું શ્રીમત ને ઉર્જીત શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડના રાજજીવનમાં થોડું નથી. અનેક રાજગુણોથી શોભતા એ રાજવીમાં એક રાજગુણનું અધૂરપણું ખાસા તરી આવે છે. મહારાજના ખાનગી ખાતાનું રાજખર્ચ પ્રમાણમાં વિશેષ હોવા છતાં બક્ષીસો ને રાજધર્મ કે દાનની ઉદારતા વડોદરાના મહારાજને શોભે એટલાં નથી પણ એ વિષયમાં મહારાજની ભૂલ-હું ભૂલતો ન હોઉં તો-મ્હોટે ભાગે વર્તમાન નવશિક્ષિત સજ્જનવર્ગની યે ભૂલ જ છે.