પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચિત્રદર્શનો
૫૯
 

ને અડોલ વિરાજે છે. જેવો એ પવનગઢ દૂરથી વડોદરા ઉપર નિહાળતો, એકાકી ને મિત્રમંડળ વિહોણો, પોતાના ગરવા ચિન્તનધ્યાનમાં જાણે વિલીન, ઉભેલો છે, એવા મહારાજ સયાજીરાવ ચિન્તનવિલીન એકાકી ગરવા ગાયકવાડ, લક્ષ્મીવિલાસના મહાલયના મિનાર સરિખડા, દૂરથી એક દૃષ્ટે વડોદરાના-ને ગુર્જર પ્રાન્તના-ભવિષ્યને ઉગતું નિહાળી રહેલા લાગે છે. મહર્ષિ દાદાભાઈ અને કર્મસંન્યાસી મોહનદાસ ગાંધી હિન્દને બ્રિટિશ સલ્તનતના રાજ્યમંડલમાં પ્રવેશ કરાવવાને જીવનભર પ્રયત્નશીલ હતા ને છે, મહારાજ સયાજીરાવે પણ, એ બે મહાન ગુજરાતીઓની પેઠે, હિન્દ ભણી, જગતની મમતાભરી દૃષ્ટિ દોરવી છે. મ્હોટા પર્વતોમાં મ્હોટી ખીણો, તેમ મહાન્‍ પુરુષોમાં પણ ઘણી વેળા હોય છે. એ તેજછાયાનું સરવૈયું કાઢતાં એમ જ કહેવું પડશે કે પિતામહ વૃદ્ધવીર દાદાભાઈ અને નિત્યયૌવનભર મોહનદાસ ગાંધી પછી ગુર્જરાધિપતિ શ્રીમન્ત મહારાજ સયાજીરાવ ગાયકવાડ સર્વશ્રેષ્ઠ વર્તમાન ગુજરાતી છે, બ્રિટિશ સલ્તનતના મન્ત્રમંડલમાં કે જગતના ભાવિ ઇતિહાસમાં મહારાજ સયાજીરાવથી ઓળખાતાં ગુજરાત શરમાશે નહીં.