પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
ચિત્રદર્શનો
 


૧૦

ધૂળની આંધી જામી, કે મેઘાડંબર સ્‍હોયલો ?
એવા આ અસ્થિરે વિશ્વે ઉગ્યો શું પ્રેમતારલો !

૧૧

અનેક વેળા ઉગી આથમે રવિ,
અનેક ઉર્મિ યમુનાની યે જવી;
શીળો, મીઠો, અમૃતજ્યોત તાજ શો,
અખંડ સૌને ઉર પ્રેમદીવડો.

૧૨

શું છે, કહો, વિશ્વના મ્હેલે ? પ્રેમનો ચન્ન્દ્ર કે ચિતા ?
એ જ આ યમુનાતીરે પ્રેમીના પ્રેમની ગીતા.

૧૩

અહો ! મહાભાવ ગયા અકબ્બર,
નથી રહ્યા બાબર એ કલન્દર;
નૂરે જહાં આથમિયાં દિગન્તમાં
ઉભા છ આ કીરતથંભ પ્રેમના.

૧૪

પ્રેમની કવિતા કેરો ? કે એ જાહોજલાલીનો ?
સૌન્દર્યનો ? કલાનો ? કે તાજ આ મુગલાઈનો ?

૧૫

અંગાંગમાં માર્દવ છે કુમારીનો,
સોહાગ પાનેતરની પ્રભા તણો;
શૃંગારલીલા મુમતાજ શું હશે ?
કેવી ય તો નૂરજહાં, કહો, હશે ?