પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ચિત્રદર્શનો
 

અન્ધકાર પણ અલૌકિક હતો.
બ્રહ્માંડ ઝીલતા એ તમસાગરને આરે
સહોદર સંગે હું ઉભો હતો.

સાગરના મહામોજ
નયન આગળ રમતા,
અમને શીકર છાંટતા,
પણ અમે એ જાણતા નહીં.

વિમાન આવ્યું, સૌ બેઠાં;
અન્ધારરાત્રિના હૃદયમાં અમે વ્હેવા માંડ્યું.

પછી ?—પછી પગ લપશ્યો કે શું ?
બન્ધુ ! તું ક્ય્હાં ગયો ?
તમ્મસાગર માનવ દૃષ્ટિને અગાધ છે:
ત્‍હેનું યે વજ્રતલ ફોડી પાર ગયો ?
ત્ય્હાં તો પ્રભુદેશ છે.

શબ્દ થયો ? પડઘો પડ્યો ?
આઘે આઘે કોકિલા શું બોલી ?
અનિલલહરીની શું પાંખ ફરૂકી ?
ધીમી ધીમી ફૂલડાં વાતો કરે છે ?
કે વીર ! ત્‍હારા બોલ શા,
પ્રભુભૂમિનાં ગીતનો મીઠડલો તે કલરવ ?
પ્રભો ! એ ક્ય્હાંનો મધુરો સિત્કાર ?