પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ચિત્રદર્શનો
 

આમલીઓની ઘટામાં થઈને જ
વીર ! પાછળ સરિતાના તટમાં.
ભૂતપ્રેત જેવી, માયા સમી,
શંકા શી ડોલતી છાયાઓમાં થઈ,
કુમળા જ્ઞાન સમાન અખંડ પ્રકાશમાં :
અન્ધકારનાં વન વટાવી
પ્રભાતનાં જ્યોતિર્જલમાં.
એ જ પરમ માર્ગ, બન્ધુ !

વિદાય લેશો, વીર !
દુનિયાનો અન્ત વિદાય જ છે,
આદિ ભલે અન્યથા હો.
પણ એક વેળા તો આંખ ઉઘાડો,
એક છેલ્લી મીટથી તો જગતને જોઈ લ્યો.
શું જગત બહુ જોયું ?
ભલે, ત્‍હમને ગમ્યું તે અમને ગમશે જ.
ક્ષર મૂકી અક્ષરધામમાં.
મૃત મૂકી અમૃતત્વમાં,
મનુકુલ મૂકી ચિરંજીવ દેવોમાં :
એ જ કલ્યાણપન્થ, ભાઈજી !

છેલ્લુંવેલ્લું સ્નાન કરી લ્યો,
સંસારના મળ ધોઈ નાખો,
અશુદ્ધિ વર્જી વિશુદ્ધિ ઓઢો.