પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
(૧૩)

ગુરુદેવ

ગુરુદેવ ! નમોનમ:
ગુરુ ! ત્ય્હાં સુણાશે આ શબ્દ ?
જ્ય્હાં વિચરો છો જ્યોતિરૂપે,
ત્ય્હાં મૃત્યુલોકાના બોલ પહોંચે છે ?
શીખવ્યું છે આપે જ, ને સ્મરૂં છું,
કે માનવ વાણીનો પડઘો
શ્રવણેન્દ્રિયમાં પરિસમાપ્તતો નથી
મનવચનકર્મના મહાધ્વનિ
જગતમાં ને જગતની પાર ઘોરે છે.
એટલે શ્રદ્ધા છે ગુરુબોધમાં
કે શબ્દ નહીં તો શબ્દાર્થ,
ને શબ્દાર્થ નહીં તો શબ્દભાવ,
સદા યે સંભળાય છે ત્ય્હાં.

‘ત્ય્હાં’ એટલે ક્ય્હાં ?
સ્વર્ગ ? વૈકુંઠ ? ગોલોક ? અક્ષર ? ક્ય્હાં ?