પૃષ્ઠ:Dadajini Vato.djvu/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભડભડતા મસાણ
ઉજડ ગામના હડમાન
મચા દે ઘમસાણ
ઠંડા પોરકી લેર
બાવા અબધૂતકી મેર
કોઈ પીવે ગાંજા ને
કોઈ પીવે ઝેર

- એમ બોલી ઝપટ મારી. ચલમને માથે વેંત વેંત ઝાળ ઊપડી. સાતમી ભોમકાને માથે બાવાનો જીવ ચડી ગયો. કેફનો તોરો લાગ્યો. બીજી કોર મનસાગરો પગ ચાંપવા મંડ્યો અને બોલ્યો કે, “ભલે! ચાર જગના જોગી, ભલે!”

બાવો કહે: "બચ્ચા માગ, માગ!”

"જોગીરાજ! બીજું કાંઈ નહિ, પણ મને કનકાવતી નગરીનો રસ્તો દેખાડો. હું ભૂલો પડ્યો છું.”

“અરે કનકાવતી તો મેરે પાંવ નીચે ઘાસ ગઈ હે, દેખ, ઈધરસે બરડો ડુંગર, શેત્રુંજા ડુંગર, નાંદીવેલા ડુંગર. ઉધર દો રસ્તા તરેગા. જમણા રસ્તાસેં સાત કોસ કનકાવતી. ઔર ડાબા રસ્તાસેં તીન કોસ. લેકિન તુમ ડાબા છોડકે જમણા ચલના.”

મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે "હાં, થાય નગારે ઘાવ! રથ રેંકડા, ડેરા તંબૂ, દૂઠ દમંગળ લશ્કર સાબદાં થઈ જાઓ!”

મનસાગરે હળવેક રહીને રાજાના કાનમાં ફૂંક મારી કે "કાં ભાઈ, કનકાવતી જઈને ગોળની કાંકરી ખાઈ આવ્યા છો ખરા કે?”

"ના! કેમ?"

"ત્યારે આવડી બધી તૈયારી શેની? ત્યાં કાંઈ સાસુ પોંખવા નહિ આવે. ત્યાં તો કાકાઓ છૂટી ડામણિયું મારશે તે બરડા ફાડી નાખશે, જાણો છો?"

રાજાએ કાનની બૂટ ઝાલી. એક જ રથ લ‌ઈને બેઉ ભાઈબંધ અંદર બેઠા. ઠનનન! ઠનનન! ઠનનન! ઠનનન! રથ રોડવ્યે જાય છે. રસ્તામાં રાત રહેતા રહેતા નાંદીવેલાના ડુંગર પાસે બે રસ્તાને તરભેટે આવી ઊભા રહ્યા.

મનસાગરે તો મૂંઝાઈને રથ થંભાવ્યો. હવે શું થાય? જોગીનું વેણ ચૂકી ગયા. ડાબે રસ્તે રથ હાંક્યો. મહા ઘોર ઝાડીમાં અટવાઈ ગયા. ચારેક ગાઉ રથે ગોથાં ખાધાં ત્યાં તો રાજાના માથામાં ચસકા નીકળવા મંડ્યા. ખોપરી જાણે હમણે નીકળી પડશે. રાજાનો પ્રાણ તો જાઉં જાઉં થાય છે. રાજા ચીસેચીસ નાખે છે. મનસાગરો તો મૂંઝાઈ ગયો છે.

"અરે હે બાળારાજા! આ પરદેશી ધરતી છે. આપણે ભૂલા પડ્યા છીએ. તમે હરમત રાખો."