પૃષ્ઠ:Dadajini Vato.djvu/૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ હરમત ક્યાંથી રાખે? એક વાટપાડિયો ઝેરઝાળ નાગ જંગલમાં ચારો ચરે છે. અને -

બાર ગાઉમાં એનું ઝેર ફરે
ભોમધણી હોય એને ચડે.

એટલે કે બાર બાર ગાઉમાં એનું ઝેર છવાઈ જાય તે બીજા કોઈને નહિ પણ રાજના ધણીને ચડે.

રાજાની રગેરગમાં ઝેર તો ચડવા મંડ્યું. સાંજ પડ્યે ઝેરઝાળ નાગની વાવ આવી ત્યાં તો રાજાનો જીવ દસમે દ્વારે પહોંચી ગયો. એકલા તાળવામાં જ ધબકારા રહ્યા. મૂંઝાઈને મનસાગરો ધા નાખે છે કે 'એ ઠાકોર! એક હોંકારો દ્યો.' પણ રાજા ક્યાંથી બોલે?

મનસાગરો વાવમાં પાણી ભરવા ગયો. અંદર ડોકિયું કરે તો અંધારી ઘોર ઊંડી વાવ : ચોળિયું પારેવું ત્રા વિસામા ખાય ત્યારે છેલ્લે પગથિયે પહોંચે એટલી બધી ઊંડી. અંદર પાંદડાં! પાંદડાં!

પાંદડાં ખસેડીને મનસાગરે ખાબોચિયું ઉલેચ્યું. કાજળિયો ભર્યો. રાજાના માથા પર પાણી છાંટ્યું. પણ રાજાની મૂર્છા વળતી નથી. ત્યાં રાત પડી ગ‌ઈ. રાજા બેભાન છે. મનસાગરો ઢાલ, તલવાર અને ભાથો બાંધીને ચોકી કરવા મંડ્યો.

અઘોર રાત જામી ગ‌ઈ છે. ત્રમ! ત્રમ! ત્રમ! તમરાં બોલે છે. દોઢેક પહોર રાત ગ‌ઈ ત્યાં વાવમાંથી ફરરરર! કરતાં પાંદડાં ઊડીને બહાર નીકળ્યાં.

મનસાગરો વિચારે છે કે 'આ શું કૌતુક? વગડામાં વંટોળ દીઠા, પણ વાવમાં કોઈ દી નથી દીઠા!'

ત્યાં તો ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. અને પછી તો ઝડાફ! ઝડાફ! કરતાં ઝાળના ભડકા નીકળ્યા. કાંઠે જે લીલા કંજાર ઝાડવાં હતાં એટલાં બધાં બળીને કાળાં ઝેબાણ બની ગયાં. થોડીક વાર થઈ ત્યાં તો -

ફૂં! ફૂં! ફૂં! એવાં ફૂંફાડા મારતો ઝેરઝાળ નાગ નીકળ્યો. મનસાગરો થોડીક વાર તો હેબત ખાઈને ઊભો થ‌ઈ રહ્યો, પણ જેમ જેમ સાપને ફૂંફાડતો જોયો, તેમ તો "અરે ફટ ફટ! હું કંકુવરણી ભોમકામાં પાકેલો છું ને આમ ડરીને મરીશ?" એમ બોલીને "ઊભો રેજે તારી જાતનો નાગ મારું!" કરતો ઉઘાડી તરવાર લ‌ઈને દોડ્યો.

ખડ! ખડ! ખડ! નાગ હસી પડ્યો.

સામે મનસાગરોયે હસ્યો : ખડ! ખડ! ખડ!

નાગ કહે: "એલા, કેમ હસ્યો?"

મનસાગરે સામે પૂછ્યું: "ત્યારે તું કેમ હસ્યો?"

"હું તો એમ હસ્યો કે તું બહુ લોંઠકો થ‌ઈને ઉઘાડી તરવારે દોડ્યો આવ છ, પણ હમણાં હું ફૂંક માર્યા ભેળો તને બાળીને ભસમ કરી નાખીશ."