પૃષ્ઠ:Dadajini Vato.djvu/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાંપલી માલણ બરાબર રથને પડખેથી નીકળી એટલે મનસાગરે નિસાસો નાખ્યો, 'આ! હા! હા!'

ચાંપલી કહે: "મારા પીટ્યાઓ! તમારાં માણસો મરે! અમારી લીલી વાડીને ઝાંપે નિસાસો શીદ નાખો છો?”

મનસાગરો બોલ્યો : "અરે બાઈ! બેન! અમે નિસાસો તો એમ નાખ્યો કે અમારેય તારા જેવી બેન છે. એ પણ તારી જેમ જ મસનાં ટીલાં કરે છે. તને જોઈને અમને બહેન સાંભરી. આ લે બાપ, કાપડું!”

એમ કહીને મૂઠી એક ભરીને સોનામહોર ઠાલવી દીધી. ચાંપલીએ તો 'ભાઈ! ભાઈ!' કરતાં મીઠડાં લીધાં. ધણીનું ભાત આ બે ભાઈઓને ખવરાવ્યું અને 'પીટ્યા, મારા ભાઈઓ આવ્યા છે' એમ પોતાના ધણીને સંભળાવીને મહેમાન ભેળી ઘેર આવી. ભાઈઓને માથે તો અનોધાં હેત ઢોળવા મંડી.

મનસાગરો પૂછે છે: "હેં બેન! શું ધંધો કરો છો?”

“ભાઈ! રાજાની કુંવરી પદમાવંતી છે.


પદમાવંતી શંકરની પૂજા કરે,
પુરુષ નામે ચોખો ન જમે,
એવાં પતિવ્રતાનાં વ્રત પાળે.


એની સારુ રોજ ફૂલની છાબ લઈ જાઉં છું.”

“કાંઈ આલે ખરાં?”

“ના માડી! વાડીમાં બકાલું કરી ખાઈએ. રાજભાગ ન લ્યે. દરબારમાં વીવા-વાજમ હોય તો ખીચડો જમીએ.”

"અરે બેન! અમારા મલકમાં તો માળીની છાબ ખાલી ન જાય. લે, અમે તને આજ એવી કરામત કરી દઈએ કે તારો રોટલો વધે.”

માલણ તો ફૂલડાં લાવી, તેને ગૂંથીને મનસાગરે ત્રણ પોશાક બનાવ્યા : ઓઢણી, ચણિયો અને કાંચળી. અંદર અક્કલ કામ ન કરે એવી નવરંગી ગૂંથણી કરી, અંદર કાગળની કટકી સંતાડી. ચાંપલી તો હરખનાં ડગલાં માંડતી છાબડી લઈને રાજમહેલે ઊપડી.

પદમાવંતી બેઠી છે. સવા સવા વાંભની વેણીની લટો મોકળી મૂકી દીધી છે. કપાળે કેસર-કંકુની આડ્ય તાણી છે. અને -


નમો શંકરા ઇસરા માય બાપા!
તુંજાં નામ લેતાં ઘટે કોટિ પાપા!


- એવા જાપ જપી રહી છે. ત્યાં છાબ આવી. દોથો ભરીને કુંવરીએ ફૂલ મહાદેવને ચડાવ્યાં. પોતે ફૂલનો પોશાક ધારણ કર્યો અને અંદરથી ચિઠ્ઠી નીચે પડી તે ઉપાડીને વાંચી -