પૃષ્ઠ:Dadajini Vato.djvu/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે' 'કેમ?'

કે' 'આ રાજાને માથે આવતી કાલ્ય છ ઘાતો છે.'

કે' 'કઈ કઈ?'

'આંહીંથી રથ જોડીને હાલશે, એટલે એને માથે આ વડલાની ડાળ ફસકીને ત્રાટકશે અને રાજારાણીને કચરી નાખશે.'

'એમાંથી એને કોઈ ન બચાવે?'

'હા, કોઈ બીજે માર્ગેથી રથ હાંકી જાય તો રાજા-રાણી બચે. પણ થોડે જાશે ત્યાં બે ડુંગરા આવશે. જીવતું જાનવર વચ્ચે થઈને નીકળે કે તરત એ ડુંગરા સામસામેથી દોડીને ભટકાય છે. ત્યાં આ રાજા અને રાણી છુંદાઈ જશે.'

'એમાંથી બચે તો?'

'તો રસ્તામાં હીરાજડિત સોનાનો વેઢ પડ્યો હશે, તેમાં રાજાનો જીવ લલચાશે; લેવા જાશે કે તરત તંબોળિયો નાગ થઈને ફટકાવશે.'

'એમાંથી બચે તો?'

'તો ગામનો દરવાજો માથે પડશે.'

'એમાંથી બચે તો?'

'તો છેલ્લામાં છેલ્લી ઘાત રાતે આવશે. રાજા-રાણી બેય પહેલા પો'રની મીઠી નીંદરમાં પડ્યાં હશે તે વખતે એક કાળી નાગણી છાપરામાંથી નીકળશે, એના મોંમાંથી ઝેરનું ટીપું બરાબર એ સૂતેલી રાણીનાં ગાલ ઉપર પડશે. રાજા જાગીને ગાલ ઉપર બચ્ચી લેતાં જ ઝેર એના પેટમાં જાશે. પલકમાં એના પ્રાણ નીકળી જાશે.'

'પણ હે ગરુડ પંખણી! આ વાત જો કોઈ સાંભળીને કોઈ બીજાને મોંએ કરે તો એ કહેનાર માનવી પથરો બની જાય હો!'

એટલી વાત કરી પંખી પોઢી ગયાં.

મનસાગરાએ આ વાત કાનોકાન સાંભળી. પંખીની વાચા ઉકેલતાં એને આવડતું હતું. એના મનમાં થયું કે અહાહાહા! આટલે આવીને હું શું મારા ધણીને મરવા દ‌ઉં!

સવારે રસાલો ઊપડ્યો. મનસાગરે પોતાની સાથે એક પોપટ ઝાલી લ‌ઈ લીધો. વડલાની જે ડાળ પડવાની હતી તેની હેઠળથી રથ ન હાંક્યો અને બીજે લાંબે મારગે આંટો ખવરાવ્યો.

રાજા કહે : "આમ કેમ?"

મનસાગરો બોલ્યો કે "બસ, અમારી મરજી!" આવો જવાબ સાંભળીને રાજાને ખોટું લાગ્યું.