"સમજાવવામાં કાંઈ સાર નથી."
"બોલ. નીકર ઘા કરું છું."
"ભલે! બોલીશ. માથે કાળી ટીલી લઈને મરું તેના કરતાં તો ભેદ ખોલીને જ કાં ન મરવું?"
એમ વિચારીને મનસાગરે વડલાવાળા ગરુડ પંખી અને ગરુડ પંખણીની વાત માંડી. રાજા ને રાણી બેય સાંભળી રહ્યાં. વડલાની ડાળની વાત વર્ણવી, ત્યાં તો મનસાગરાના પગ ગોઠણ સુધી પથ્થર થઈ ગયા.
"રાજાજી, રહેવા દ્યો. જુઓ મારા પગ પથરા બનવા મંડ્યા છે!"
"નહિ. તું દગાબાજ છો. બોલ!"
મનસાગરે જ્યાં ડુંગરાની વાત કહી દેખાડી ત્યાં તો કમર સુધીની કાયા પથરો બની ગઈ.
"રાજાજી! હજી કહું છું રહેવા દ્યો!" પણ રાજા તે કાંઈ માને!
વેઢલાની વાત પૂરી થઈ ત્યાં પેટનો ભાગ પથ્થર!
ઘોડાની વાત કહેતાં છાતી સુધી પાણો થઈ ગયો. એકલું ડોકું જ જીવે છે. અવાજ બેસી ગયો. જાણે કોઈ ઊંડી ગુફામાંથી બોલતું હોય એવો ધીરો અવાજ આવવા માંડ્યો: "રાજાજી, હવે કે'વરાવો મા!" પણ રાજાની ભ્રમણા હજુ ભાંગી નહોતી. મનસાગરો એને જાદુગર લાગતો હતો. એણે કહ્યું: "આગળ ચલાવ."
મનસાગરે દરવાજાની કમાન તોડવાનો ખુલાસો કર્યો. ત્યાં તો દાઢી સુધી પથ્થર બની ગયો. જીભ ઝલાવા માંડી.
"બોલ, છેલ્લો ભેદ ખોલી દે."
"હે રાજા! હું ઘડી બે ઘડીનો મહેમાન છું. આજ તો મારો કોઈ ગુણ તારે હૈયે નહિ વસે. પણ આગળ ઉપર કોઈક દી જો મનસાગરો સાંભરે તો તારા પહેલા ખોળાના દીકરાનું લોહી આ પથરા પર છાંટજે."
"મારે એ કાંઈ નથી સાંભળવું. મને તારા છેલ્લા પાપની વાત કહી બતાવ."
મનસાગરે નાગણીની વાત કરી. એની આંખોમાંથી આંસુડાં ચાલ્યાં જાય છે. હાથ જોડાય તેમ નથી. રાણીની સામે એણે તગ તગ નજર કરી. "બેન! બે...ન!"
એટલું બોલતાં તો એ માથા સુધી પથ્થર બની ગયો.
સવાર પડી ગયું છે. સૂરજનું અજવાળું થવા આવ્યું છે. ઘડી એક પહેલાં બોલતો ચાલતો માનવી પથ્થરનું પૂતળું બનીને ઊભો છે. એની આંખનું છેલ્લું આંસુડુંયે પથરારૂપે થીજી ગયું છે. સામે રાજારાણી પણ થંભી ગયાં છે.
"અરરર! અમારે માથેથી છ છ ઘાત ઉતારનાર મનસાગરાની અમે આવી દશા કરી? છેવટ સુધી એનું કહ્યું માન્યું જ નહિ!'