પૃષ્ઠ:Dadajini Vato.djvu/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અરે ધિક્કાર! ધિક્કાર! ધિક્કાર! બ્રાહ્મણનો દીકરો : ખભે જનોઈ પડી છે, તોયે લાકડાં વાઢવાં પડે! બિચારો વેદ-ભાગવત ક્યારે વાંચે? સંધ્યા-પૂજા ક્યારે કરે? લ્યો મહારાજ! સવા લાખ રૂપિયાની આ ચિઠ્ઠી. અમારે ખજાનેથી લ‌ઈ આવજો; કહો સ્વસ્તિ."

"સ્વસમ્! હે રાજા, સ્વસમ્‌!"

"મહારાજ, અરધી સ્વસ્તિ કાં કહી?"

"હે રાજા, સવા લાખ રૂપિયા તો કોઈક અડબોત મારીને આચંકી જાશે. તે ટાણે તમને ક્યાં ગોતવા આવું? જમીનનો એક કટકો આપો તો મજૂરી કરીને ગદર્યે જાશું."

ત્યાં એક વાડી હતી. ત્રાંબાનું પતરું મંગાવી ત્યાં ને ત્યાં પેઢી દર પેઢીના દસ્તાવેજ લખી આપ્યા. ન પાળે તેને માથે ચાર હત્યા લખી. બ્રાહ્મણનાં દળદર દરિયાને સામે કાંઠે નાખી દીધાં. કડડડ! ધૂબ! ભારો ભોંય પર નાખીને 'સ્વસ્તિ! હે રાજા, સાત સાત સ્વસ્તિ!" કહેતો બ્રાહ્મણ ચાલ્યો ગયો.

ડણણણ....ણ કરતાં ઘોડાં હાંકતા રાજા અને બધસાગરો હાલી નીકળ્યા. મુલક પછી મુલક જોવા મંડ્યા. જ્યાં હાથીને ગળી જાય એવાં મોટાં ગરજાં થાય છે : જ્યાં સૂરજ સામી હાંડલી ધરતાં જ ફસ ફસ કરતાં ધાન ચડી જાય છે : જ્યાં માનવીની કાયા ઉપર રીંછડાંના જેવા વાળ ઊગે છે : જ્યાં નર અને નારી બેયનાં શરીર જોડેલાં જ અવતરે છે : જ્યાં ઢોલને ઢમકે પાણી નીકળે છે : એવી એવી ભાતભાતની ભોમકામાં દેશાટન કરીને બરાબર વરસ દિવસે રાજા ને પ્રધાન પાછા ઘર દીમના વહેતા થયા.

ચોમાસું ઊતરીને આસો મહિનો બેઠો છે. કેડાને કાંઠે એક ખેતર ઊભું છે. માંહી અસવાર સોતાં ઘોડાં પણ ગેબ થ‌ઈ જાય એવા લીલુડા મોલ ઝોલે ચડ્યા છે, અને ઊભા ડૂંડાં ફાકી જાય એવો બાજરો લચકી પડ્યો છે. ખેતરની વચાળે મેડો છે અને મેડા ઉપર એક આદમી ઊભો ઊભો હાથમાં ગોફણ લ‌ઈને 'હો! હો!' કરતો વૈયાં ઉડાડે છે. એ જોઈને રાજાએ પૂછ્યું: "અરે હે બધસાગરા, આવું ખેતર કોનું? પોર તો આંહીં બોરડીનાં ઝાળાં ઊભાં'તાં ને!"

"મહારાજ! આ ખેતર તો ઓલ્યા બામણને કૃષ્ણાર્પણ કર્યું હતું તે."

ત્યાં તો 'ઊભા રહેજો! એ મહારાજ! ઊભા રહેજો! જાય એને બ્રહ્મહત્યા! ગૌહત્યા! ચાર હત્યા!' એવા સાદ પાડીને મેડે ઊભેલો માટી બોલાવવા મંડ્યો. જ‌ઈને જુએ ત્યાં તો વરતડીના કટકા જેવી જનોઈ ધબેડી છે, ધડાકામાન તુંબડું કાખમાં રહી ગયું છે, હાથમાં જતરડો છે, અને હો! હો! કરીને વૈયાં હોકારતો બામણ ઊભો છે. દોડીને બામણ બોલ્યો કે "હે મહારાજ,પાંચ ડૂંડાં પોંકનાં લેતા જાવ."

રાજા કહે: "ગોર! અમારે તો દીધાં દાન રુધિર જેવાં."

"તો હું કપાળી કરું. માથું ફોડું."

બધસાગરો કહે: "મહારાજ, આપણે સપાઈ સપરાને આપી દેશું. પણ બામણનું વેણ રાખો."