પૃષ્ઠ:Dadajini Vato.djvu/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બામણના મેડા તળેની ધરતી રાજા ભોજે ખોદાવી. ખોદે, ત્યાં તો ઠણીંગ કરતો કોદાળીનો ઘા રણકારો કરી ઊઠ્યો. બીજે ઘાએ ત્રીકમનું પાનું કોઈક કડામાં પરોવાઈ ગયું હોય એમ લાગ્યું. ચોગરદમથી ખોદે ત્યાં તો એક-બે-ત્રણ-ચાર એમ સાત ચરુ માયાના નીકળ્યા. અને તેની નીચે ખોદે ત્યાં તો જ...અ...બરું એક સિંહાસન!

સાતેય ચરુની માયા રાજા ભોજે ગરીબગુરબાંને વહેંચી દીધી, ઢોરને રોટલા નીર્યા, અને સિંહાસનને સાફસૂફ કરાવી પોતાના દરબારમાં મેલાવ્યું ત્યાં તો ઝળળળ તેજનાં પ્રતિબિંબ પડી ગયાં. ચારે ભીંતો ઉપર હીરા- માણેક-મોતીના રંગ ચીતરાઈ ગયા. સિંહાસન ફરતી બત્રીસ પૂતળીઓ ઝગમગી ઊઠી.

"આવા દેવતાઈ સિંહાસન ઉપર તો અમે જ બેસશું." એમ કહીને જે ઘડીએ રાજા ભોજે સિંહાસનના પે'લા પગથીયા ઉપર પોતાનો પગ મેલ્યો તે જ ઘડીએ 'મા! હે રાજા ભોજ! મા!' એવા ગેબી અવાજો સંભળાણા અને ઝણણણ એવા ઝણકારા કરતી બત્રીસેય પૂતળીઓએ પોતાના રૂમઝૂમતા હાથ ઊંચા કર્યાં.

'અરે! આ સિંહાસનને અમે ખોદીને બહાર કાઢ્યાં. સાફસૂફ કર્યાં, શણગાર્યા, અને આજ માંહીથી આ માકારા કોણ કરે છે.'

ઝણણણ કરતી બત્રીસેય પૂતળીઓ નાચવા મંડી. બત્રીસેયના હોઠ ખડ! ખડ! ખડ! હસી પડ્યા.

"હે પૂતળીઓ, તમે કોણ છો? કેમ હસો છો? આ બધો શો ભેદ છે? બોલો," ઝબકીને રાજા ભોજ સિંહાસન સામો થંભી ગયો, એટલે એ વખતે -

પહેલી પૂતળી બે હાથ જોડીને ઊભી રહી. એને વાચા આવી. માનવીની વાણી કાઢીને એણે જવાબ દીધો: "હે રાજા ભોજ! અમે બત્રીસેય જણી તારા વડવા રાજા વીર વિક્રમની રાણીઓ હતી. આ સિંહાસન અમારા સ્વામીનાથનું છે. માટે હે બાપ! જો વિક્રમનાં જેવાં કામ કર્યાં હોય તો જ બેસજે; નીકર તું તપીશ નહિ."

"હે માતા! વિક્રમ રાજાનાં કામાં કેવાં હતાં! હું તો જાણતો નથી."

"સાંભળ બાપ! વિક્રમે તો વિધાતાના લેખમાંયે મેખ મારી હતી." એમ કહીને પહેલી પૂતળીએ વાર્તા માંડી.