પૃષ્ઠ:Dadajini Vato.djvu/૩૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩.
વિક્રમ અને વિધાતા


જેણીનાં સુખદુઃખ તપાસવા રાજા વિક્રમ ગુપ્ત વેશે ફરે છે. ઘૂમતાં ઘૂમતાં એક ગામમાં કોઈક બ્રાહ્મણને ઘેર રાતવાસો રહેલ છે. બ્રાહ્મણીને દીકરો અવતર્યો છે. આજ છઠ્ઠા દિવસની રાત છે.

થાકીને લોથપોથ થઈ ગયેલો રાજા વિક્રમ ઓશીકે હથિયાર મેલીને જંપી ગયો છે. બાયડીને માટે જે શેરો કર્યો હતો તે ખાઈ જઈને પેટે હાથ દઈ બ્રાહ્મણ પણ ઘોંટી ગયો છે. લુહારની ધમણ ધમતી હોય એવાં એનાં નાખોરાં બોલે છે. અને ભૂખ્યે પેટે પડેલી સુવાવડી બ્રાહ્મણીની આંખો પણ મળી ગઈ છે.

બરાબર મધરાતે વિધાતા પધાર્યા. હાથમાં કંકુનો ખડિયો, કાને મોતીની લેખણ, અને કાંખમાં આંકડા ગણવાનો કોઠો.

હળવે-હળવે-હળવે દેવી તો દાખલ થયાં. છોકરાની ખાટલી આગળ જઈ બેઠાં. ઘીનો દીવો બળે છે. વાટ સંકોરીને દેવીએ અંજવાળું વધાર્યું. બાળકની હથેળીમાં ને કપાળમાં મંડ્યાં રેખાઓ કાઢવા.

શું શું લખ્યું?

અરે રોજની પાંચ પાંચ શેર લોટની તાંબડી લખી : દાપા દક્ષિણાના દોકડા લખ્યા : કન્યા-ચોરીની કોરી લખી : ગોરપદાં ધોતિયાં લખ્યાં : એક સોળ વરસની ગોરાણી લખી : પણ જ્યાં આવરદાની રેખા તાણવા જાય, ત્યાં તો -

અરરર ! વિધાતાના હાથમાંથી કલમ પડી ગઈ. પટ દઈને દેવી ઊભાં થઈ ગયાં. દીવડો ઝાંખો પડ્યો. અને વિધાતાએ કપાળ કૂટીને પાછાં હાલવા માંડ્યું.

જ્યા ઓસરીમાં જાય ત્યાં કોઈ સૂતેલા માનવીનું શરીર ઠેબે આવ્યું. ઝબ દેતાં જાગીને એ માનવીએ વિધાતાના પગ ઝાલી લીધા. પૂછ્યું કે "કોણ છો તું? ડેણ છો? ડાકણ છો?"

વિધાતા બોલી: "હે રાજા વિક્રમ! મને જાવા દે. હું ત્રણેય લોકનાં કરમ માંડનારી વિધાતા છું."

"વિધાતા દેવી! આંહીં શા સારુ આવેલાં ?"