ફરકાવતો સાવજ આવ્યો! વરરાજાની ગળકી ઝાલીને હરડિયો ચૂસી લીધો. ક્યાંથી? અરે આ કાળો ગજબ ક્યાંથી? ધરતી ફાડીને શું સાવજ નીકળ્યો?
અરે, નહિ ધરતીમાંથી કે નહિ આભમાંથી; આ તો ચોરીના માટલા ઉપર ચીતરેલો સાવજ સજીવન થયો.અંતરીક્ષમાંથી વિધાતાએ અંજળી છાંટી. આહા! ડાલામથ્થો સાવજ! છરા જેવડા દાંત! માનવી એને ભાળીને ફાટી મરે.
વરરાજાનું ડોકું ચૂસીને પાછો સાવજ માટલા- ચિતરામણમાં સમાઈ ગયો.
વિક્રમ તો ઠીંકરા જેવો ! વાઢો તો છાંટો લોહી ન નીકળે. ધરતી માતા મારગ આપે તો સમાઈ જાઉં! એવો ઝંખવાણો પડી ગયો.
"ફિકર નહિ. રોશો મા ભાઈઓ, છાંટોય પાણી પાડશો મા. હે વરના બાપ! તારા દીકરાને છ મહિના મૂઓ મ સમજજે. અને હે વહુના બાપ! તારી દીકરીને છ મહિના રંડાપો મ સમજજે. છ મહિનાની અવધિ માંગું છું. અમીનો કૂંપો લઈને આવું છું. નીકર ઉજેણીનું રાજ ન ખપે. મડદાની અંદર મસાલો ભરી રાખીને એની આગળ અખંડ ધૂપ-દીવા બાળજો, છ મહિનાની વાટ જોજો, ઠાલે હાથે આવીશ તો તારા છોકરાની ભેળો જ હું ચિતામાં સળગી મરીશ."
એટલી ભલામણ દઈને વિક્રમે ઘોડો દોટાવી મૂક્યો. જાતાં, જાતાં, બાર ચોકું અડતાલીસ ગાઉનું જંગલ આવ્યું. વનમાં જાય છે ત્યાં તો મહા કાળઝાળ દાવાનળ બળે છે. અને એમાંથી કારમી ધા સંભળાય છે કે 'બળું છું રે બળું છું! અરેરે! અત્યારે રાજા વિક્રમ હોય તો મને ઉગાર્યા વગર રહે નહિ."
અહોહો! કોઈ દુખિયારું, મારું નામ લઈને પોકાર કરે છે.'
જઈને જુએ ત્યાં એક નાગ : અગ્નિમાં બફાઈ ગયો છે. વિક્રમે ભડભડતી ઝાળમાં હાથ નાખીને એને કાઢ્યો. નાગ બોલ્યો: હે પરગજુ માનવી! તું કોણ છો?"
"તું જેને સમરતો હતો તે જ રાજા વિક્રમ."
"આહા! હે રાજા! પરદુઃખભંજણા! મારા દેહમાં લાય હાલી છે. બે ઘડી તારા અમૃત જેવા શીતળ પેટમાં બેસવા દે, મારી કાયાની બળતરા બેસી જાય એવો જ હું બહાર નીકળી જઈશ."
વિક્રમે તો મોં ઉઘાડું મેલ્યું એટલે સડેડાટ સિંદૂરિયો નાગ રાજાના પેટમાં બેસી ગયો.
થોડી વાર થઈ. રાજા કહે, "ભાઈ, બોલી પ્રમાણે હવે બહાર નીકળ!"
પેટમાં બેઠો બેઠો નાગ કહે છે કે "હવે રામરામ ! આવું સુખનું થાનક મેલીને હવે હું બહાર નીકળું એવો ગાંડિયો નથી."
વિક્રમે વિચાર્યું: 'કાંઈ વાંધો નહિ. મારો આશરાધર્મ હું કેમ લોપું? ભલે એ પેટમાં બેઠો. મારે કસુંબાની ટેવ છે. પણ પીઉં તો પેટમાં બેઠેલો નાગ પ્રાણ છાંડે. માટે આજથી