પૃષ્ઠ:Dadajini Vato.djvu/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"ગાળો ન દ‌ઉં? એલા, બીજો કોઈ ન મળ્યો તે પરદુઃખભંજણ વિક્રમના પેટમાં પેઠો? ધિક્કાર છે નુગરા! તારે માથે કોઈ ગુરુ નથી તેમાં ને?"

"હવે રાખ રાખ હરામી!" સિંદૂરિયો બોલ્યો: "તું યે કેમ કોઈકની માયાની માથે બેઠો છો?

હું તો માયાને માથે બેઠો છું, કોઈની કાયાને માથે તો નથી બેઠો ને? હે પાપિયા! હમણાં કોઈક સવા શેર ઝેરકોચલું વાટીને વિક્રમને પાઈ દિયે તો તનેય ખબર પડી જાય! તારા કટકે કટકા થઈને બહાર નીકળી પડે."

"અને તુંયે ક્યાં અમરપટો લખાવીને આવ્યો છે? તેં મને ચોર છતો કર્યો છે, પણ યાદ રાખ; અધમણ તેલ ઊનું કરીને તારા રાફડામાં કોઈ રેડે એટલી જ વાર છે. તુંયે સોનાનું ઢીમ થ‌ઈ જા. અને સાત ચરૂ માયા દબાવીને તું બેઠો છે એ માયા પણ હાથ લાગી જાય."

એટલું બોલીને બેય નાગ સામસામા ફેણ ડોલાવતા ડોલાવતા પેસી ગયા : એક ગયો રાફડામાં ને બીજો વિક્રમના પેટમાં.

પાણી ભરીને રાજકુંવરી આવી ગ‌ઈ હતી. એણે આ બેય નાગની વાત કાનોકાન સાંભળી. ઉઠાડી બાનડીને.

"બાનડી! બાનડી! જા ઝટ બજારમાં. સવાશેર ઝેરકોચલું, અધમણ મીઠું તેલ અને લોઢાનું બકડિયું. એટલાં વાનાં લ‌ઈ આવ્ય."

મગાવેલી સામગ્રી હાજર થ‌ઈ. રાજકુંવરી વિચાર કરે છે કે આ વાત ખોટી હોય તો અરરર! મારા સ્વામીનાથને ઝેરકોચલું પાઉં અને એ મરી જાય તો? તો તો હું મહાપાપણી બનું, માટે પ્રથમ તો રાફડા માંયલા નાગનું પારખું કરું.

તાપ કરીને કડામાં ધ્રફધ્રફતું તેલ ઊનું કર્યું. બેય જણીઓએ ઉપાડી રાફડામાં રેડ્યું. ત્યાં તો ફૂં! ફૂં! ફૂંકારા કરતો નાગ દોટ દ‌ઈને બહાર આવ્યો અને સોનાનું ઢીમ થ‌ઈને ઢળી પડ્યો.

મંડ્યા રાફડો ખોદવા. ગોઠણ સમાણું ખોદે ત્યાં તો એક ચરુ - બે ચરુ - ત્રણ ચરુ - ચાર! એમ સાત પીતળના ચરુ! ઉઘાડે તો અંદર છલોછલ સોનામહોરો!

રાફડા ઉપર ધૂળ વાળી દીધી. સવા શેર ઝેરકોચલું વાટ્યું. રાજાના મોઢામાં ધાર કરીને રાજકુંવરી ધીરે ધીરે ટોવા લાગી.

જ્યાં પાશેર રસ પેટમાં ગયો ત્યાં તો મૂંઝાતો મૂંઝાતો સિંદૂરિયો નાગ દોટ કાઢીને બહાર નીકળી પડ્યો, અને એ જ ઘડીએ એના ત્રણ કટકા થ‌ઈ ગયા !

દૂધ લ‌ઈને રાજકુંવરી ટોયલીએ ટોયલીએ વિક્રમના મોંમાં ટોવા મંડી. ઘટક ઘટક જેમ દૂધ પેટમાં ઊતરવા લાગ્યું તેમ હાથપગમાં જોર આવ્યું. બત્રીસ કોઠે દીવા થ‌ઈ ગયા. આળસ મરડીને વિક્રમ બેઠા થયા. બેઠા થઈને જુએ ત્યાં તો થડકી ગયા.

"અરે હે રાજકુંવરી! આ શું કર્યું? સિંદૂરિયા નાગના ત્રણ કટકા! શી રીતે? કોણે