પૃષ્ઠ:Dadajini Vato.djvu/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માર્યો?

રાજકુંવરીએ તો માંડીને વાત કહી દેખાડી.

"અરરર! અસ્ત્રી! તમે મને મહાપાતકમાં નાખ્યો. મારે આશરે બેઠેલાની તમે હત્યા કરી!"

નાગના કટકા વિક્રમે પોતાની ઢાલના ભંડારિયામાં મેલી દીધા. કેટલાય દિવસથી રાજા નાહ્યોધોયો નથી. કંચનવરણી કાયા કા...ળી મસ થ‌ઈ ગ‌ઈ છે. રાજતેજ ઝાંખા ઝાંખા લાગે છે.

"હે સતી! મારે વાવમાં સ્નાન કરવું છે."

"પધારો સ્વામીનાથ! હું મારે હાથે જ તમને ચોળીને નવરાવું."

વાવમાં જાય ત્યાં તો અહાહા! આ રોવે છે કોણ? રેશમ જેવા સુંવાળા ને પાની ઢળકતા મોવાળા મોકળા મેલેલ : ગુલાબનાં ફૂલડાં જેવી આંખો સૂજી ગયેલી : આભૂષણો ઝંટીને વેરી નાખેલા : અને ચોધાર આંસુડે રોવે છે કે "હે મારા ભરથાર! હે સ્વામીનાથ!"

વિક્રમ પૂછે છે: "હે સતી! તમે કોણ છો? વાવનાં પાણીમાં ઊભાં ઊભાં કેમ રોવો છો?"

"રાજા, હું પાતાળલોકની નાગ-પદમણી છું. વાવના પાણીમાં અમારી મોલાત છે! મારા સ્વામી સિંદૂરિયા નાગ, એને કોઈએ મારી નાખ્યા."

"હાય હાય! હે સુંદરી! તમારા ધણીને મારનારાં તો અમે જ છીએ. આ જુઓ એના કટકા."

"ઓહો! હવે ચિંતા નહિ. મારા સ્વામીના કટકાને હું સજીવન કરીશ."

એમ કહીને પદમણી પાણીમાં ડૂબ।ઈ મારી પલકમાં તો પાછી આવી. હાથમાં અમીનો કૂંપો.

ત્રણે કટકા સંધાડીને પદમણીએ ગોઠવ્યા પછી અમી છાંટ્યું. એક, બે, ને ત્રણ અંજળી છાંટી ત્યાં ઝડાપ દેતો સૂપડા જેવડી ફેણ ડોલાવતો મહાફણીધર સજીવન થયો, નાગને માનવીની વાચા ઊપજી: "હે અસ્ત્રી! હું ઘણો પાપી! આ રાજાએ મને દાવાનળમાંથી ઉગાર્યો. પોતાના પેટમાં પેસવા દીધો. અહાહા! કેવું શી...તળ એનું પેટ! પણ મેં પાપીએ બહાર નીકળવા ના પાડી. અને હું ન મરું માટે એણે અફીણ છોડ્યું."

કે' "હે વિક્રમ! માગ! માગ!"

"માગું તો એટલું જ, હે નાગદેવતા! એક બ્રાહ્મણનો છોકરો ચોરીમાં મર્યો છે. મારે માથે એની હત્યા ચડે છે. બે જ ટીપાં અમીનાં દ‌ઈશ?"

"અરે બે ટીપાં શું? આખો કૂંપો લ‌ઈ જા ને!"

અમીનો કૂંપો ઉપાડી અને રાણીને સાથે લ‌ઈ રાજા વિક્રમ ચાલી નીકળ્યા.

છ મહિનાની છેલ્લી રાત છે. રાજાની વાટ જોવાય છે. મસાલો ભરીને રાખેલું શબ