પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પડ્યું છે. ઘીની ત્રણ અખંડ દીવીઓ બળે છે. ધૂપના તો ગોટેગોટા. ત્યાં તો વિક્રમનો સાદ પડ્યો કે -

"અરે હે ભાઈ! જાગો છો કે સૂતા?"

"જાગીએ છીએ, જે રાજા! છ-છ મહિનાથી જાગીએ છીએ. આંખનું મટકુંય નથી માર્યું."

એક, બે ને ત્રણ અંજળી અમીની છાંટતાં જ આળસ મરડીને બ્રાહ્મણનો દીકરો ઊભો થયો. વિધાતાએ સાદ દીધો કે "હું હારી, ને વિક્રમ જીત્યો."

ભાણેજને પરણાવીને રાજા-રાણી ઉજેણી આવ્યાં.

"અરે હે રાજા ભોજ! આવાં ઊજળાં કામાં કર્યાં હોય તો જ આ સિંહાસને બેસજે; નીકર તું તપીશ નહિ."

એટલી વાત કરીને પહેલી પૂતળી અબોલ બની ગ‌ઈ.

ત્યાં તો ઝણણણ કરતી બીજી પૂતળીએ નાટારંભ આદર્યો અને માનવીની વાચા કરી હસતી હસતી બોલી :

"સાંભળ હે રાજા ભોજ! આ સિહાંસન ઉપર બેસનાર રાજા વિક્રમની બીજી વાત કહું છું."